21મી સદીમાં સ્માર્ટ જનરેશન વચ્ચે મહિલાઓ અનેકવાર હિંસાનો ભોગ બને છે. દેશમાં ચકચાર નિર્ભયા કાંડ પછી સફાળી જાગેલી ભારત સરકારે મહિલાઓ માટે મહત્વની યોજના શરૂ કરી હતી.
હિંસાથી પીડિત મહિલાઓને તમામ સમસ્યાઓનું સમાધાન એક સ્થળેથી મળે એ યોજના એટલે ‘સખી વન સ્ટોપ સેન્ટર’ જે દેશના દરેક રાજયમાં દરેક જિલ્લા દીઠ કાર્યરત છે. આ સેન્ટરની શરૂઆત વર્ષ 2019માં સમગ્ર દેશમાં કરાઈ હતી.
નડિયાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં વર્ષ 2019થી અત્યાર સુધીમાં 848 કેસોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
જેમાં મોટેભાગે ઘરેલું હિંસાના કેસો વધારે નોંધાયા છે. સમાજમાં વધતા આ ઘરેલું હિંસાનું દુષણ ખરેખર વિચાર કરી લે તેવું છે અને એને ડામવા સમાજે પહેલ કરવી પડશે.

નડિયાદ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ-ભારત સરકાર પરસ્કૃત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ આવેલ છે. જે હિંસાથી પીડિત મહિલાઓને પડખે આવી સતત કામગીરી કરે છે.
આ સેન્ટર દ્વારા મુખ્ય 6 સેવાઓ મહિલાઓ, યુવતીઓને આપવામાં આવે છે. જેમાં આપતકાલીન સેવા 181 મહિલા અભયમ, કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય, સામાજિક સમસ્યામાં પરામર્શ અને હંગામી ધોરણે આશ્રય આ તમામ સેવાઓ તાત્કાલિક ધોરણે એક જ છત નીચે મળી રહે તેનું નામ એટલે ‘સખી વન સ્ટોપ સેન્ટર’, આ સેન્ટરે અનેક મહિલાઓ, યુવતીઓના જીવનમાં અજવાળાં પાથર્યા છે.

‘સખી વન સ્ટોપ સેન્ટર’ની શરૂઆત નવેમ્બર 2019થી કરવામાં આવી હતી. ખેડા જિલ્લામાં પણ આ સમયગાળાથી આ સેન્ટરને શરૂ કરાયું હતું.
આજે સાડા પાંચ વર્ષ જેટલો સમય વિત્યો છે ત્યારે નડિયાદ ‘સખી વન સ્ટોપ સેન્ટર’ થકી 848 મહિલાઓ, યુવતીઓએ મદદ લીધી છે. એટલે કે, 848 મહીલાઓ, યુવતીઓના કેસો નોંધાયા છે. ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની ટીમ દ્વારા તમામ કેસોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

અહીંયા મહિલાઓ, યુવતીઓને રહેવા માટેની તમામ અલાયદા વ્યવસ્થા સાથે સવાર, સાંજ પૌષ્ટિક આહાર અને નાસ્તા સહિતની સુવિધાઓ પીડિત મહિલાઓ, યુવતીઓને આપવામાં આવે છે.
આ ઉપરાંત મેડિકલ તેમજ જીવનજરૂરીયાત માટે ખાસ તૈયાર કરેલી કીટ દરેક પીડીત મહિલાઓ, યુવતીઓને આપવામાં આવે છે.
ઉપરોક્ત નોંધાયેલા કેસો પૈકી મોટાભાગે ઘરેલું હિંસાના સૌથી વધુ બનાવોમાં નિરાકરણ કરાયું હોવાનું નડિયાદ સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક ભાવિશા જોષીએ જણાવ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, ‘નારી નારાયણી, દીકરી હોય કે પુત્રવધુ તેના થી જ ઘર ઉજળું છે’ તેનો તિરસ્કાર કદી ન કરવો જોઇએ, તેમણે આ સેન્ટર વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ અમારા સેન્ટર પર કુલ 13 વ્યક્તિઓનો સ્ટાફ છે જે ત્રણ પાળીમાં કામ કરે છે, સવારે 8થી 2, બપોરે 2થી રાત્રે 8 અને રાત્રે 8થી સવારે 8 સુધી એમ ત્રણ પાળીમાં કામગીરી કરવામાં આવે છે.
રાત્રે મહિલા સિક્યુરિટી ગાર્ડ સેવા આપે છે અહીંયા કોઈ પુરુષને આવવા દેવામાં આવતા નથી. દિવસમાં ગાર્ડને બાદ કરતા સંપૂર્ણ સ્ટાફ લેડિઝનો છે.
અમારે અહીંયા 5 બેડની સુવિધા છે. 27 જાન્યુઆરીથી અત્યાર સુધી 10 મહિલાઓ પરપ્રાંતીયનુ પુનઃ સ્થાપન કરાયું છે. વર્ષ 2019થી અત્યાર સુધીમાં 848 કેસોનું નિરાકરણ અમારી ટીમ દ્વારા કરાયું છે.

અહીંયા અમે પીડિત મહિલાના આત્મસન્માન સ્વયોગ્યતા અને આત્મવિશ્વાસનું નિર્માણ કરવાનો પ્રયાસ કરીએ છીએ, કાઉન્સિલિંગ માર્ગદર્શન દરમિયાનગીરી પણ કરવામાં આવે છે.
જે તે કેસની જરૂરિયાત મુજબ કૌટુંબિક સેવા આપતી સહાય સંસ્થાઓ જેવી કે તબીબી સેવા, નારી કેન્દ્ર તથા વ્યવસાયલક્ષી સેવાઓની સહાય પણ આપવામાં આવે છે.
આ સાથે સાથે કાનૂની સહાય આપતી સેવાઓ, આવશ્યકતા અનુસાર વિશે સહાય, પોલીસ તંત્ર મહિલા અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓ સાથે સંપર્ક રાખવો, મહિલા અને બાળ સુરક્ષાને લગતા કાયદાઓ વિશે મહિલા અને બાળકોમાં સામાન્ય જનતામાં અને હિતધારકોમાં જાગૃતિ લાવવી, ઘરેલુ હિંસાને લગતી કાર્યવાહી કરવી અને મહિલા હેલ્પલાઇનની સહાય સેવાઓ મહત્વની છે.

તેમણે દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 2019થી અત્યાર સુધીમાં 848 મહિલાઓ, યુવતીઓનું પરિવાર સાથે પુનઃ સ્થાપન કરાવી નવુ જીવન આપ્યું છે અને અમારી ટીમ દ્વારા સમયાંતરે આ પીડીતનુ ફ્લોઅપ પણ લેતી હોય છે.
પરપ્રાંતિય મહિલાઓનું ભાષાના એક્સપર્ટ દ્વારા પુનઃ સ્થાપન કરાયું છે. આ ઉપરાંત માનસિક રીતે અસ્વસ્થ મહિલાઓની પણ વિશેષ કામગીરી કરી છે.

તેમણે પોતાના અનુભવો સેર કરતા જણાવ્યું કે, એક માતાએ કેન્સર પીડિત બાળકને લઈને અહીં આવી હતી. હાલ તે બાળકની સારવાર ચાલુ છે. જ્યારે એક બહેન ક્ષય રોગથી પીડિત હતી તો તેની સારવાર ચાલુ કરાવેલ હતી.
અહીંયા આવતી મહિલાઓનું પ્રથમ તો કાઉન્સિલીગ કરવામાં આવે છે અને એના મનમાં શુ ચાલી રહ્યું છે તે જાણવા અમે પ્રયત્ન કરીએ છીએ. કાઉન્સિલીગ બાદ રોકાણ માટે સ્ટે આપવામાં આવે છે.
કાયદાકીય માર્ગદર્શન એટલે વકીલ, પોલીસની પણ સેવાઓ આપવાનુ કામ કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, સૌથી વધુ કેસો મેં ઘરેલું હિંસાના ફેસ કર્યા છે. જેમાં બહેનનું પુનઃ સ્થાપન થાય અને બહેનનુ આત્મસન્માન જળવાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.

સમાજમાં કુ રિવાજોને લઈને જે કેસો આવ્યા છે તેમાં બાળ લગ્ન અને સાટા પદ્ધતિથી થયેલા લગ્નમાં જોખમ વધુ રહેલુ હોવાનું જણાવ્યું છે.
વધુમાં તેમણે કહ્યું કે, અહીંયા દરેક મહીલાઓ, યુવતીઓને રહેવા જમવાની વ્યવસ્થા સાથે સાથે મનોરંજન પ્રવૃત્તિઓ પણ કરાઈ છે.
ખાસ કરીને કાઉન્સિલીગ દરમિયાન બહાર આવેલી વાતોમાં તેણીને કેવા પ્રકારની રસ, રૂચી ધરાવે છે અને તેની આવડતને બહાર લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવે છે.
આમ આ સેવાથી હિંસાથી પીડિત મહિલાઓને મદદ મળી છે જે ભારત સરકારનું આવકારદાયક પગલું ઘણી શકાય.



