Gujarat

નલિયામાં 7.2 ડિગ્રી, ભુજમાં 12.4 અને કંડલામાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું

કચ્છ જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીએ જનજીવન પર અસર કરી છે. ખાસ કરીને છેવાડાના નલિયા વિસ્તારમાં લઘુતમ તાપમાન 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે છેલ્લા 24 કલાકમાં બે ડિગ્રી જેટલો ઘટાડો દર્શાવે છે. જિલ્લા મથક ભુજમાં લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી અને કંડલામાં 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, નલિયામાં શિયાળાની ઋતુમાં સતત ઠંડીની પકડ મજબૂત બની રહી છે. ભુજમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી સુધી પહોંચતા થોડી રાહત અનુભવાઈ હતી. જોકે, સવાર અને સાંજના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

ગ્રામીણ વિસ્તારોમાં ઠંડીની અસર વધુ વ્યાપક બની છે. વાગડથી ભુજ સુધીના વિસ્તારમાં વિષમ હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે. શાળાએ જતાં બાળકો અને વાહન ચાલકો ગરમ કપડાં પહેરવા છતાં ઠંડીથી ધ્રુજી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે.