નવરાત્રિના આગમન પહેલાં નવસારીમાં પ્રી-નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્કોન મંદિર વિસ્તારમાં આવેલા વિવાન્તા ગાર્ડનના એસી ડોમમાં સતત બીજા વર્ષે રમઝટ 2.0 દ્વારા પ્રી-નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકગાયિકા ગીતા રબારીના સૂરે નવસારી હિલોળે ચડ્યું હતું.
લોકગાયિકા ગીતા રબારીએ આધુનિક ઓર્કેસ્ટ્રા સાથે જુગલબંધી કરીને ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં એટલી મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઊમટ્યા કે 5000ની ક્ષમતા ધરાવતો એસી ડોમ નાનો પડ્યો હતો. આ કારણે કાર્યક્રમ સ્થળે એક કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી હતી.
ગીતા રબારી તાજેતરમાં જ નવસારીના સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં હાજરી આપી ચૂક્યાં છે. હવે તેમણે આ એક દિવસીય પ્રી-નવરાત્રિ કાર્યક્રમમાં ખેલૈયાઓને આગામી નવ દિવસના ગરબા માટે ઉત્સાહિત કર્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી પ્રી-નવરાત્રિનો કન્સેપ્ટ લોકપ્રિય બન્યો છે. આ કાર્યક્રમ ખેલૈયાઓને નવરાત્રિ પહેલાં વોર્મ-અપ કરવામાં મદદરૂપ થાય છે. યુવાનોએ સજી-ધજીને ગરબાની રમઝટ બોલાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.