Gujarat

હવે ગુજરાતમાં એક કાયદો; કમિટીની રચના, 45 દિવસમાં રિપોર્ટ, આદિવાસી બાકાત રહેશે

ગુજરાતમાં પણ હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. ઉત્તરાખંડ બાદ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ગુજરાત બીજું રાજ્ય બની જશે. આ માટે સરકાર દ્વારા સુપ્રીમકોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે.

સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરી આ સમિતિ પોતાનો અહેવાલ 45 દિવસમાં સરકારને સોંપશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને સમિતિનો રિપોર્ટ મળ્યા બાદ યોગ્ય નિર્ણય લેવાશે. નોંધપાત્ર બાબત છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા આદિવાસી સમાજના નીતિ-નિયમો, રીતિ-રિવાજો, કાનૂનોનું સંરક્ષણ કરવામાં આવશે એની પણ ખાતરી આપવામાં આવી છે.

યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત છે. દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે બધા નાગરિકોને તેમના ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે લાગુ પડે છે.

યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ થાય છે.