Gujarat

રાજ્યના 8,374 અસામાજિક તત્વો પૈકી 148ને પાસા, 77ના ગેરકાયદે બાંધકામો તોડી નાખ્યાં

રાજયમાં 8,374 અસામાજીક તત્વોની શાન ઠેકાણે લાવવા પોલીસ વિભાગે કામગીરી શરૂ કરીને 148 ને પાસા કર્યા, 77 અસામાજીક તત્વોના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડયા છે.

પોલીસ સાથે અન્ય વિભાગના સહયોગથી કામગીરી ચાલી રહી છે. રાજયના પોલીસવડાએ તમામ અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ધટના બાદ ગૃહ વિભાગ સફાળુ જાગતા રાજયના પોલીસવડા 100 કલાકમાં રાજયના તમામ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલા અસામાજીક તત્વોની યાદી બનાવવાની સૂચના આપી હતી. રાજયમાંથી 8374 અસામાજીક તત્વોની યાદી આવ્યા બાદ તેઓની સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા હતા.

રાજ્યના 8,374 અસમાજીક તત્વોની યાદીમાં 3240 પ્રોહિબિશનના બુટલેગર, 322 ગેમલિંગના બુટલેગર, 2,739 મારામારી ધાક ધમકી આપતા હોય તેવા, 1,355 અસામાજિક તત્વો કે જેઓ વારંવાર મિલકત સંબંધિત ગુનાઓ કરતા હોય, 68 ખનીજ માફિયાઓ સામે પોલીસ અને સરકારના અન્ય વિભાગોને સાથે રાખીને શિક્ષાત્મક કાર્યવાહી કરાઇ રહી છે.

જેમા અસામાજીક તત્વોએ લીધેલા 200 ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખ્યા છે. 148 અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે.

અમદાવાદ, ગાંધીધામ, સુરત, મોરબી, રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય અથવા સરકારી જમીન પર બાંધકામ કર્યું હોય તેવા 77 બાંધકામના ડિમોલેશનની કામગીરી હાલ ચાલી રહી છે.

અગાઉ પણ ગેરકાયદેસર બાંધકામ તુટતા હતા પણ આ વખતે પ્રથમવાર રાજયના તમામ વિભાગોને સાથે રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ તમામ અસામાજીક તત્વો સામે અટકાયતી પગલા ભરવામાં આવી રહ્યા છે. અસામાજીક તત્વો પર વોચ પણ રાખવામાં આવશે.