સ્વતંત્રતાના પવિત્ર દિવસે સમસ્ત મહાજનનો એક અનોખો સંકલ્પ.
સમસ્ત મહાજન દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત 15 પરિવારોને 9 લાખની વ્યાજમુક્ત લોન આપીને અર્ટિગા કાર આપવામાં આવશે.
15 ઓગસ્ટના રોજ ડ્રગ-મુક્ત, સંસ્કારી અને સંસ્કૃતિ-પ્રેમી 15 ડ્રાઇવર પરિવારો કાયમી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધશે.
અમદાવાદ શ્રી સાબરમતી જૈન શ્વેતાંબર મુ.પૂ. સંઘનાં પ્રાંગણમાં પ. પૂ. તપાગચ્છાધિપતિ શ્રીમદ દ્વિજય મનોહરકીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ગીતાર્થ ગચ્છાધિપતિ ભગવંત શ્રીમદ દ્વિજય રાજ્યયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત ઉદયકીર્તિ સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત વીતરાગ્યશ સૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પ.પૂ. વાંચયમા શ્રીજી મ.સા. (બેન મ.સા.) ના પવિત્ર સાનિધ્યમાં તેમના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ સમસ્ત મહાજન દ્વારા આત્મનિર્ભર યોજના અંતર્ગત તા. 15 ઓગસ્ટ-2025, શુક્રવાર નાં રોજ કંકુબેન કસ્તુરચંદજી હેમાજી, બેડાવાલા મંડપ, રામનગર, સાબરમતી, અમદાવાદ ખાતે બપોરે 2-૦૦ થી 5-૦૦ વાગ્યા સુધી ડ્રગ-મુક્ત, સંસ્કારી અને સંસ્કૃતિ-પ્રેમી 15 ડ્રાઇવર પરિવારોને 9 લાખની વ્યાજમુક્ત લોન આપીને અર્ટિગા કાર આપવામાં આવશે.અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે. સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે.સમસ્ત મહાજન દ્વારા અમદાવાદનાં આંગણે ફરી એકવાર એક અદભુત અનુપમ સેવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત મહાજનની આત્મનિર્ભર યોજના અંતર્ગત 15 ડ્રાઇવર પરિવારોને અર્ટિગા કાર માટે 9 લાખની વ્યાજમુક્ત લોન આપીને ૧૫ ઓગસ્ટનાં રોજ સ્વતંત્રતાના પવિત્ર દિવસે સમસ્ત મહાજન એક અનોખા સંકલ્પ સાથે 15 પરિવારોને કાયમી આર્થિક સમૃદ્ધિ તરફ આગળ વધારશે. આ કાર્યક્રમ પાછળનો હેતુ ડ્રાઇવર ભાઈઓને વ્યાજ મુક્ત તેમજ વ્યસન મુક્ત કરવાનો છે. જો વ્યક્તિ આર્થિક રીતે સારી પરિસ્થતિમાં નહિ હોય તો તે વ્યસન તરફ જલ્દીથી વળશે તેથી કાર ડ્રાઇવરોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવાથી અને જો વ્યક્તિ વ્યસન મુક્ત હશે તો સમાજ રોગ મુક્ત થશે અને રોક્મુક્ત સમાજ રોગમુક્ત ભારતનું નિર્માણ કરશે.અર્ટિગા કાર આપવાથી ડ્રાઇવરભાઈઓને આશરે રૂ. 4,000 પ્રતિ દિવસની આવક થશે અને દર મહિને રૂ. 1 લાખથી વધુની આવકને સંભાવના છે, જેમાંથી માસિક રૂ. 25,000 કાર ખર્ચ તથા રૂ 25,000 લોન ચુકવણીનાં બાદ કરતા રૂ. 50,000 આરામથી પોતાના પરિવારને ટેકો આપી શકશે અને મદદ માંગવાનું જીવન છોડીને સ્વાભિમાન અને ધાર્મિક ઉપાસના સાથે જીવન જીવી શકશે.આ કાર્યક્રમની સફળતા માટે ભારત સરકાર નાં એનીમલ વેલ્ફેર બોર્ડ ઇન્ડિયાનાં સભ્ય તેમજ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગિરીશભાઇ શાહ અને સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ જૈન તથા સમસ્ત મહાજનની ટીમ જહેમત ઉઠાવી રહી છે.આ કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે સમસ્ત મહાજન મેનેજિંગ ટ્રસ્ટી ડો. ગિરીશ શાહ (98200 20976), દેવેન્દ્રકુમાર જૈન (98251 29111) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. રિપોર્ટ નટવરલાલ ભાતિયા