Gujarat

ગાંધી જયંતિ નિમિતે ભાજપના આગેવાનો-હોદ્દેદારોએ ખાદીના વસ્ત્રોની ખરીદી કરી

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ શહેરના રાજકીય પક્ષના આગેવાનો, હોદ્દેદારો, તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ દર વર્ષની પરંપરા મુજબ ખાદીના વસ્ત્રોની ઉત્સાહભેર ખરીદી કરી હતી. આ ખરીદી શહેરની ખાદી ગ્રામોદ્યોગ સંસ્થામાંથી કરવામાં આવી હતી, જે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને સ્વદેશીના સંદેશને બળ પૂરું પાડે છે.

શહેર સંગઠનના પ્રમુખ, મહાનગરપાલિકાના મેયર, સંસદ સભ્ય, અને તમામ ધારાસભ્યો સહિત પક્ષના મુખ્ય અગ્રણીઓએ આ સામૂહિક ખરીદીમાં ભાગ લીધો હતો તો પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, અન્ય હોદ્દેદારો અને મહિલા મોરચાના પ્રતિનિધિઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ખાદીના વસ્ત્રોની ખરીદી કરીને આ આગેવાનોએ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતો પ્રત્યે આદર વ્યક્ત કરવાનો સંદેશ આપ્યો હતો. આ સામૂહિક પહેલથી ખાદી ગ્રામોદ્યોગને મોટો આર્થિક સહયોગ મળ્યો છે. આ પ્રવૃત્તિ દ્વારા જાહેર જીવનના પ્રતિનિધિઓએ માત્ર ગાંધીજીને શ્રદ્ધાંજલિ જ નહીં, પરંતુ સ્થાનિક કારીગરો અને વણકરોને પણ પ્રોત્સાહન મળશે.