Gujarat

મહેમદાવાદમાં 76 કોડેઈન યુક્ત બોટલો સાથે એક શખ્સની ધરપકડ, બીજા આરોપી સામે કાર્યવાહી

ખેડા જિલ્લામાં નશીલા પદાર્થોનો કારોબારનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ દ્વારા મહેમદાવાદમાંથી કફ સિરપનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો છે.

કોડેઈન યુક્ત કફ સિરપની બોટલ નંગ 76 કિંમત રૂપિયા 13,293 કબ્જે કરાઈ છે સાથે એક ઈસમને ઝડપી લેવાયો છે. આ બનાવમાં આ કફ સિરપની બોટલોનો જથ્થો આપનાર ઈસમ સામે પણ પોલીસે પગલા ભર્યા છે.

જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસના માણસોએ ગતરોજ મહેમદાવાદ શહેરમાં ઈકબાલ સ્ટ્રીટ નજીક એક મકાનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી એક ઈસમ સકીલમીયા ઝાકીરમીયા મલેકને સાથે રાખી તેના ઘરમાં પોલીસે તપાસ આદરી હતી.

તલાસી દરમિયાન એક કોલેજ બેગમાંથી નશીલા કફ સિરપનો જથ્થો મળી આવ્યો હતો‌. જે જથ્થાને તપાસ કરવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારી અને FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.

આ બંને વિભાગોની હાજરીમાં પોલીસે મળી આવેલ કફ સિરપની 76 બોટલોમા કોડેઈન યુક્ત કફ સિરપ હોવાનું જાણવા મળ્યું હતું અને આ કોડેઈનનો સમાવેશ નાર્કોટિક્સ પદાર્થમાં સમાવેશ થતો હોવાથી પોલીસે આ મામલે સકીલમીયા ઝાકીરમીયા મલેકની કડક પુછપરછ કરી હતી.

દરમિયાન આ જથ્થો તેણે મહેમદાવાદ શહેરના ધ્રુવ ફળિયામાં રહેતા જીમીત મનુ સોની દ્વારા વેચાણથી લીધો હોવાની કબૂલાત કરી હતી. આમ પોલીસે આ બનાવમાં આ બંને સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત કુલ રૂપિયા 22 હજાર 43નો મુદ્દામાલ કબજે કર્યો છે.