શ્રાવણ માસ દરમિયાન જામનગરમાં હિન્દુ સેનાએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અનોખી રીતે શિવભક્તિનું આયોજન કર્યું હતું. સંગઠને ઓનલાઈન માધ્યમથી 51,000 હિન્દુઓને સીધા સંપર્ક કરી ‘ૐ નમઃ શિવાય’ મંત્રજાપના મેસેજ મોકલ્યા હતા.
આ અભિયાન અંતર્ગત વોટ્સએપના 2025 ગ્રુપ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રીતે કુલ 5.25 લાખ લોકો સુધી શિવભક્તિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. હિન્દુ સેનાએ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ નેપાળ, કેનેડા સહિત વિદેશોમાં પણ 21,000 મેસેજ મોકલ્યા હતા.

ભારત સિવાયના ત્રણ દેશોમાં 111 ઈમેઈલ અને 11,000 મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ આજના યુવાનોને મોબાઈલ પર રિલ્સ અને ગેમ્સમાં ખોવાયેલા રહેવાને બદલે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને શિવભક્તિ તરફ વાળવાનો હતો.
કાર્યક્રમમાં ગુજરાત હિન્દુ સેના યુવા પ્રમુખ મયુર પટેલ, હિન્દુ સેના સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, પૂર્ણકાલીન કિશન નંદા, જિલ્લા પ્રમુખ રોહિત ચૌહાણ, કુમાર ચાવલા, ગણેશ ભોજવાણી, પ્રભાત વિજાણી, હેપી પ્રજાપતિ, ગુંજ કાર્યા સહિત ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
આ અભિયાન દ્વારા હિન્દુ સેનાએ સંદેશ આપ્યો કે આધુનિક સમયમાં પણ પાન ગલ્લે, લારીએ કે કાફેમાં ઊભા રહીને પણ મોબાઈલ દ્વારા શિવભક્તિ કરી શકાય છે. આ રીતે સંગઠન આવનારી પેઢીને પ્રેરણા આપવાનો પ્રયાસ કરી રહ્યું છે.

