Gujarat

જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવા પર પ્રતિબંધ મૂકાયો

જામનગર શહેરમાં ચોમાસા પૂર્વે મહાનગપાલિકા હરકતમાં આવ્યું છે અને પ્રથમ વખત ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ ખોલવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી સહિતની કડક કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવાથી મહાપાલિકાને નુકસાની તો જાય જ છે પરંતુ સાથોસાથ ગંભીર અકસ્માત થવાની સંભાવના પણ ખૂબજ વધી જાય છે.

જામનગર મહાનગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અન્વયે 8408 મશીન હોલ તથા સેક્શનની સફાઈ કામગીરી કરી 156 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. હવે આ કામગીરીમાં કોઇ અડચણ ન થાય તે માટે મહાપાલિકાના સિટી એન્જિનિયરે જાહેરનામું બહાર પાડી મશીન હોલ કે ચેમ્બરના ઢાંકણા ખોલવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

શહેરમાં જ્યારે વરસાદ વધુ પડે છે ત્યારે પાણી ભરાવવાના કિસ્સામાં લોકો પોતાના ઘર પાસે કે દુકાન પાસેના ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલી નાખે છે જેથી ઝડપથી પાણીનો નિકાલ થઈ જાય પરંતુ આ પ્રક્રિયા અત્યંત જોખમી છે. આનાથી મહાપાલિકાને કચરો અને લાઈન ચોકઅપનો ભય તો રહે જ છે સાથોસાથ માનવ અકસ્માતનો મોટો ભય રહે છે.

કારણ કે, પાણીમાં ભૂગર્ભ ગટર દેખાતી નથી. જેના કારણે મનુષ્ય તેમાં પડી જાય તેવી પૂરી સંભાવના હોય છે. જેથી પ્રથમ વખત મહાપાલિકાએ આ પ્રતિબંધ મૂકી આનું ઉલ્લંઘન કરનાર સામે ફોજદારી રાહે પગલાં લેવાની જાહેરાત કરી છે.