Gujarat

ગાંધીધામ ચેમ્બર દ્વારા DGFT-FIEO સાથે નિર્યાત જાગૃતિ કાર્યક્રમનું આયોજન

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નિર્યાત બંધુ અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. DGFT અને FIEO ના સહયોગથી આયોજિત “જિલ્લા આઉટરીચ પ્રોગ્રામ અને નિર્યાત જાગૃતિ કાર્યક્રમ”માં નિર્યાતકારોને વિષય નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચેમ્બરના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, કચ્છની ભૌગોલિક સ્થિતિ, ઉદ્યોગસાહસિકોની કાર્યક્ષમતા અને સરકારની પ્રગતિશીલ નીતિઓના કારણે આ પ્રદેશ નિકાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે. કન્ટેનર કાર્ગો, રસાયણો, કાપડ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોના ક્ષેત્રમાં કચ્છનું યોગદાન નોંધપાત્ર છે. તેમણે કચ્છની હસ્તકલાને વૈશ્વિક બજારમાં સ્થાન અપાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.

ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું કે, ગાંધીધામ ચેમ્બર નિકાસકારો માટે નવીનતમ નીતિ માહિતી, આંતરરાષ્ટ્રીય વેપારની તકો અને સરકારી યોજનાઓના લાભો પૂરા પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ કાર્યક્રમ વર્તમાન નિકાસકારો અને નવા ઉદ્યોગસાહસિકો બંને માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે.

DGFT ના ડેપ્યુટી ડાયરેક્ટર અશ્વિન ગોલાપકરે કચ્છના વિવિધ ઉત્પાદનો જેવા કે બ્રાસવર્ક, બાંધણી, સિરામિક, કેમિકલ્સ, ટીમ્બર અને સોલ્ટની આંતરરાષ્ટ્રીય બજારમાં રહેલી માંગ અને નિર્યાત તકો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.