અમદાવાદ ખાતેની પ્લેનક્રેશની ગોઝારી દુર્ઘટનાને એક અઠવાડિયાનો સમય વિત્યો છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ખેડા જિલ્લાના 17 પૈકી 12 મુસાફરોના મૃતદેહ સોંપવામાં આવ્યા છે.
જેમા જેમ મૃતદેહો પરિવારજનોને સોંપાતા પરિવારજનો વિધિથી અગ્નિસંસ્કાર કરી રહ્યા છે.
આજે શુક્રવારે નડિયાદના ઉત્તરસંડા ખાતે રહેતી મહિલાનો વધુ એક મૃતદેહ સોંપવામાં આવતા પરિવારજનોએ હિન્દુ વિધિથી અંતિમયાત્રા કાઢી અગ્નિસંસ્કાર કર્યા છે.

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ નડિયાદના ઉત્તરસંડાના રૂપલબેન પીનલકુમાર પટેલની આજે અંતિમયાત્રા નીકળી હતી.
પરિવારજનોએ ભારે આક્રંદ સાથે રૂપલબેનના અગ્નિસંસ્કાર કર્યા છે. તેમના મુળ ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી અને મુક્તિધામ સુધી પહોંચી હતી. જેમાં નગરજનો સહિત સ્વજનો જોડાયા હતા.

આ અંતિમયાત્રામા સ્થાનિક ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ડે.મ્યુનિસિપલ કમિશનર મહેન્દ્રભાઈ દેસાઈ,પ્રાંત અધિકારી નિર્ભયભાઈ ગોંડલિયા સહિત સરકારી તંત્રના અધિકારીઓ, પૂર્વ કાઉન્સિલરઓ, સંગઠનના પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં વિસ્તારના ભાઈઓ બહેનોએ ઉપસ્થિત રહ્યા હતા.
સદગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી. મહત્વનું છે કે, આ દુર્ઘટનામાં ખેડા જિલ્લાના 17 પ્રવાસીઓ પૈકી 12 વ્યક્તિઓના મૃતદેહો સોંપવામાં આવ્યા છે જ્યારે હજી પણ બીજા વ્યક્તિઓના મૃતદેહો બાકી છે તેમની કામગીરી કરવામાં આવી રહી છે.



