અમદાવાદમાં ખ્યાતિકાંડ જેવી ઘટના જામનગરમાં બની હતી. જેમાં જે.સી.સી હાર્ટ ઇન્સ્ટિટ્યુટના ડો. પાર્શ્વ વોરાએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (PM-JAY)માં 800થી વધુ દર્દીની સારવાર કરી હતી.તેમાં 105થી વધુ દર્દી એવા હતા જેમને જરૂર ના હોવા છતાં હ્રદયની સર્જરી કરી નાખી હતી અને અત્યાર સુધીમાં 6 કરોડ જેટલા બીલ મૂક્યાનું જાણવા મળે છે. આ પ્રકરણમાં તેણે પરિવારના કેટલાક સભ્યોનો પણ ઉપયોગ કર્યો હોવાની જાણકારી છે.
ગાંધીનગરથી તપાસનો રેલો આવતા બહાર આવેલા આ પ્રકરણમાં યોજનામાંથી હોસ્પિટલને રૂ.6 લાખનો દંડ ફટકારી સસ્પેન્ડ કરવામાં આવી છે. સાથે સાથે કાર્ડિયોલોજીસ્ટ તબીબ પાર્શ્વ વોરાને પણ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ નેટવર્કમાં અન્ય કેટલાક તબીબોની સંડોવણી છે કે કેમ ? હોસ્પિટલ મેનેજમેન્ટનો શું રોલ છો તે સહિતની બાબતો પણ તપાસના દાયરામાં આવી શકે છે. ડો. પાર્શ્વે સ્વસ્થ લોકોને પણ હાર્ટની તકલીફ હોવાનું જણાવી ખોટી રીતે સર્જરી કરી યોજનામાંથી રૂપિયા ખંખેર્યા હતા.
જામનગર શહેરના જોલી બંગલા પાસે આવેલી જામનગરની જેસીસી હાર્ટ ઈન્સ્ટિટયૂટમાં ડો. પાર્શ્વ વોરા જે કાર્ડિયોલોસ્ટ અને કાર્ડિયોવાસ્કયુલર તરીકે કાર્યરત છે. આ હોસ્પિટલ અનેે ઇન્સ્ટિટ્યુટમાં ડો. પાર્શ્વ વોરાના પરિવારજનોનો હતો અને લગભગ દોઢેક વર્ષથી તે હોસ્પિટલ સાથે જોડાયેલો હતો. ડોક્ટરે તેના દોઢ વર્ષના હોસ્પિટલના કાર્યકાળ દરમિયાન 800થી વધુ હૃદયની સર્જરીઓ કરી હતી જેમાંથી મોટાભાગની પી.એમ.જે.વાય.એ યોજના અંતર્ગત કરવામાં આવી હતી.
આટલા મોટા પ્રમાણમાં દર્દીઓના ઓપરેશન અને સારવારના આંકડા શંકાસ્પદ જણાતા રાજ્ય સરકારે તેની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન બહાર આવેલી ચોંકાવનારી વિગતોમાં 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ જણાઇ હતી. તેમજ 53 જેટલા કેસોમાં જરૂર ન હોવા છતાં સર્જરી કરી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યું હતું.
તેમણે તાત્કાલિક અસરથી હોસ્પિટલને 6 લાખ રૂપિયાનો દંડ ફટકારી પી.એમ.જે.વાય.એમાંથી તેને સસ્પેન્ડ કરી ડો. પાર્શ્વ વોરાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પ્રકરણ બહાર આવતા હોસ્પિટલ સત્તાવાળાઓએ સમગ્ર પ્રકરણથી હાથ ખંખેરી લીધા હતા અને ડો. વોરા સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરી હતી.

