મહેસાણાના પાલાવાસણા સર્કલ પર બની રહેલા ઓવરબ્રિજના બંને બાજુનો ડાયવર્ઝન રોડ મોટાભાગે સરખો કરી દેવાયો છે. વરસાદી પાણીના નિકાલની લાઇનનું પણ કામ કરાયું છે. તેમ છતાં આ ચોમાસામાં પણ એકબાજુના ભાગમાં વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા યથાવત રહેશે.
અહીંના વ્યવસાયકારો, સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને કલાકો સુધી પાણી ભરાઇ રહેવાની સમસ્યાનો સામનો કરવો પડે તે નક્કી છે. છેલ્લા 2 વર્ષમાં બે તબક્કામાં ઓવરબ્રિજ નીચે બંને બાજુ વરસાદી પાણીના નિકાલની લાઇન નાંખવામાં આવી છે. જોકે, આ લાઇનને ખારી નદી સુધી જોડવામાં આવી નથી.
નંખાયેલી લાઇનોમાં કેટલીક જગ્યાએ ભંગાણ છે. મોટાભાગની લાઇનો કચરા અને માટીના કારણે ચોકઅપ થઇ ગઇ છે. બીજી તરફ વરસાદી પાણીની લાઇન રોડ કરતાં ઊંચી છે. તેમજ રોડની બીજી તરફ પાળીઓ કરી દેવાઇ છે. મહેસાણા બાજુ બ્રિજનું કામ હજુ અધૂરું છે.
ત્યાં બબ્બે ફૂટ ઊંચા માટીના પાળા કરી તેના પર પતરાંથી બેરિકેટિંગ કરાયું છે. અધૂરી, તૂટેલી અને પુરાણવાળી વરસાદી પાણીના નિકાલની લાઇન તેમજ નીચા રોડના કારણે આ ચોમાસે પણ બે સ્થળે કલાકો સુધી વરસાદી પાણી ભરાઇ રહેવાની સમસ્યા યથાવત રહેશે.
એમાં પણ જનપથ હોટલથી લઇ શિવરાજ આર્કેડ કોમ્પલેક્ષ સુધીના નીચાણવાળા રોડ પર ઢીંચણસમા પાણી ભરાવાની સમસ્યા આ ચોમાસે પણ યથાવત રહેશે. તેમજ પાલાવાસણા સર્કલ નજીકના સન પેટ્રોલપંપ આગળનો રસ્તો પાણીમાં ગરકાવ થઇ જશે. વરસાદી પાણી ભરાઇ રહેવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઉપરાંત તૂટેલી વરસાદી પાણીની લાઇનના કારણે અકસ્માત થવાની સંભાવના પણ રહેશે.
શહેરમાં યુજીવીસીએલ દ્વારા 11 કેવી વીજ લાઇનના અંડર ગ્રાઉન્ડ કેબલ નખાયા પછી તેના દિશાસૂચક રૂટ માર્ક રોડ સાઇડ ખાડા કરીને લગાવાયાં છે. પણ આ ખાડા હજુ પૂરાયા નથી. વરસાદનું પાણી ઉતરતાં આ ખાડા ભૂવામાં ફેરવાઇ શકે છે.
રાધનપુર રોડ અને રાધનપુર ચોકડીથી ગોપીનાળા તરફના રસ્તા સાઇડ આવા ખાડા જોવા મળે છે. ધરતીપાર્ક પાલાવાસણા-બહુચરાજી રોડ પર સાંઇ રો-હાઉસ 1 અને 2, સાંઈ ડુપ્લેક્ષ, સૂર્યદર્શન, સારથી બંગ્લોઝ અને એસઆરપી ક્વાર્ટરના લોકોને આવનજાવનના મુખ્ય રસ્તામાં પાણી નિકાલની વ્યવસ્થા નથી. પરિણામે વરસાદ પછી પંદર દિવસ સુધી પાણી સુકાતું નથી, તેના લીધે કાદવ કિચડ થાય છે. રોડ તૂટેલો છે , આવામાં કોઈ સફાઈ પણ થતી નથી.



