Gujarat

પંચમહાલ જિલ્લાના પેન્શનર્સે કલેક્ટરને આપ્યું આવેદન, CCS પેન્શન નિયમોમાં સુધારાની માગ

ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશનના નેજા હેઠળ પંચમહાલ જિલ્લાના પેન્શનધારકોએ જિલ્લા સેવાસદન કચેરી ખાતે એકત્ર થઈ પોતાના હકો માટે અવાજ ઉઠાવ્યો છે.

પેન્શનર્સે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી નાણાબિલ 2025ના નવા નિયમો અંગે રજૂઆત કરી છે.

ફેડરેશને આવેદનમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા નાણાબિલ-2025 હેઠળ કરવામાં આવેલા નીતિગત ફેરફારોમાં CCS પેન્શન નિયમોની જોગવાઈઓ મુશ્કેલીજનક છે.

નવા નિયમો મુજબ પેન્શનની ગણતરી નિવૃતિની તારીખના આધારે થશે.

આના કારણે સમાન હોદ્દા અને સેવા અવધિવાળા પેન્શનર્સની પેન્શનની રકમમાં તફાવત આવશે.

પેન્શનર્સનું કહેવું છે કે આવા અસમાન નિર્ણયો ભાવિ પેઢી માટે અન્યાયપૂર્ણ નમૂનો બનશે.

તેમણે માગ કરી છે કે સામાજિક ન્યાય અને બંધારણીય સમાનતાના સિદ્ધાંતોને ધ્યાને રાખીને પેન્શન નિયમોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવે.

જેથી કોઈ પણ પેન્શનર જરૂરી પેન્શન લાભથી વંચિત ન રહે.

પેન્શનર્સે જણાવ્યું કે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ નીતિગત ભેદભાવના આધારે ઓછું પેન્શન મળવું દુઃખદ છે.

તેમની માગ છે કે નવા નાણાબિલના નિયમો અમલમાં આવે તે પહેલા જવાબદાર અધિકારીઓ સ્પષ્ટતા કરે અને યોગ્ય સુધારા કરે.

અધિક નિવાસી કલેક્ટરે આ રજૂઆત રાજ્ય અને કેન્દ્ર સ્તરે મોકલવાનું આશ્વાસન આપ્યું છે.