ડીસા બ્લાસ્ટની ઘટનામાં હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પહેલી એપ્રિલના રોજ થયેલા ભયાવહ ઘટનામાં સવારે 9:15 વાગે ઢુવા રોડ પરની દિપક ટ્રેડિંગ કંપનીમાં શટર બંધ રાખીને શ્રમિકો જ્યારે માર્શલ બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બ્લાસ્ટ વખતે ઓરડીમાં માતા પિતાની નજીક ત્રણ વર્ષની નૈના પણ ત્યાં જ તેમની આગળ રમી રહી હતી. જેવો ધડાકો થયો અને છત તૂટી પડી ત્યારે પિતા રાકેશ અને માતા ડોલીએ દીકરીને બચાવવા તેને ખોળામાં લઈ લીધી હતી.
માતા-પિતા બન્ને બાળકીને વળગીને જમીન પર સૂઈ ગયા હતા. વિસ્ફોટના કારણે માતા-પિતા બન્ને ગંભીર રીતે દઝાયા હતા એટલું જ નહીં તેમના પર વજનદાર છત તૂટી પડી હતી. જો કે રાકેશ અને ડોલીએ તેમની દીકરીના શરીરે નજીવો ઘા સુદ્ધા પડવા દીધો નહોતો.
બાદમાં એસડીઆરએફ અને જેસીબીની ટીમ જ્યારે કાટમાળ ખસેડવા માટે તુરંત ઘટના સ્થળે પહોંચી અને એક પછી એક મૃતદેહો બહાર કાઢી રહ્યા હતા ત્યારે આ હૃદય કંપી જાય અને આંખો ભીની થાય તેવું હૃદય દ્રાવક દૃશ્ય જોઈ ચોંકી ગયા હતા.
તુરંત નૈનાને સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.આખો દિવસ ડીસા સિવિલના વીઆઈપી રૂમમાં માસૂમ નૈનાની આંખો સતત તેના માતા પિતાને શોધતી રહી હતી. માતા પિતા અને કિરણ નામના ભાઈને ગુમાવી ચૂકેલી નૈના હાલ દેવાસમાં તેની દાદી પાસે છે.
શિવરાજે 25 લાખની એફડી જાહેર કરી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના સંસદસભ્ય શિવરાજ સિંહ ચૌહાણ થોડા દિવસ પૂર્વે સંદલપુર પહોંચ્યા હતા અને નૈનાના પિતા મૃતક રાકેશ ભોપાના ઘરે જઈને પરિવારજનોને સાત્વના પાઠવી હતી.
શિવરાજ સિંહ એ નૈનાના ભવિષ્ય માટે 25 લાખ રૂપિયાની એફડી કરવાની જાહેરાત કરી હતી અને ધોરણ 12 સુધી મફત શિક્ષણની સુવિધા આપવાની પણ જાહેરાત કરી હતી. ઉપરાંત એમપીની બાળ આશીર્વાદ યોજના હેઠળ દર મહિને પાંચ હજાર રૂપિયાની સહાય પણ અપાશે.
બ્લાસ્ટકાંડના આરોપી પિતા-પુત્ર હાલ રિમાન્ડ પર 22 લોકોના મોતમાં જવાબદાર પુત્ર દિપક અને પિતા ખૂબચંદ હાલમાં 10 દિવસના રિમાન્ડ પર છે. ડીસા રૂરલ અને એલસીબી પોલીસ તેમને લઈને ફટાકડા માટેના વિસ્ફોટકો ક્યાંથી લાવ્યા હતા? અન્ય કોણ કોણ સામેલ છે ? સહિતના જુદા જુદા પ્રશ્નોના જવાબો મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.