અમદાવાદમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)ની 47મી વાર્ષિક સાધારણ સભામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણીની અધ્યક્ષ તરીકે ચાર વર્ષ માટે પુનઃવરણી કરવામાં આવી હતી.
મૂળરાજસિંહ ચુડાસમા માનદ મહામંત્રી તરીકે. પ્રદીપસિંહ વાઘેલા, જિગ્નેશ પાટીલ, અરુણસિંહ રાજપુત અને ગુણવંતભાઈ ડેલાવાલા ઉપાધ્યક્ષ તરીકે ફરી ચૂંટાયા છે. સંદીપ દેસાઈને હનીફ જીનવાલાની જગ્યાએ નવા ઉપાધ્યક્ષ બનાવાયા છે. અંકિત પટેલની માનદ ખજાનચી તરીકે નિમણૂક કરાઈ છે.

જી.એસ.એફ.એ.એ 2024-25 દરમિયાન 26 ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં 1168 મેચ રમાઈ અને 6468 ગોલ નોંધાયા હતા. ગુજરાતમાં કુલ 7400 સક્રિય ખેલાડીઓમાંથી 4836 ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.
જિલ્લા સ્તરે અમદાવાદને સૌથી વધુ ખેલાડી નોંધણી માટે, સુરતને શ્રેષ્ઠ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટ આયોજન માટે, રાજકોટને બેસ્ટ સપોર્ટિવ ડિસ્ટ્રિક્ટ તરીકે અને ભાવનગરને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર જિલ્લા તરીકે સન્માનિત કરાયા હતા.
વ્યક્તિગત કેટેગરીમાં રચના કામાણી અને પ્રતિક બજાજને શ્રેષ્ઠ રેફરી તરીકે પસંદ કરાયા. ફેલસીના મીરાન્ડા અને સલીમ પઠાણને વર્ષના શ્રેષ્ઠ કોચ જાહેર કરાયા. નાઝબાનુ શેખ અને કિશન સિંહને ઉદીયમાન ખેલાડી તરીકે સન્માનિત કરાયા. તન્વી માલાણી અને અમન શાહને વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

સભામાં મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ અને આગામી વર્ષનું કેલેન્ડર રજૂ કર્યું હતું. બોર્ડના સભ્યો સમક્ષ વાર્ષિક હિસાબો અને બેલેન્સશીટ પણ રજૂ કરવામાં આવી હતી.
એજીએમમાં કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ચુડાસમાએ જણાવ્યું હતું કે, છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાત ફૂટબોલે રમતના દરેક પાસામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ગ્રાસરૂટ સ્તરે વિકાસથી માંડીને સ્પર્ધાત્મક સિધ્ધિઓ સુધી જે સફળતા મળી છે તે સહિયારી છે – જે હોદ્દા કે ભૂમિકાને ધ્યાનમાં લીધા સિવાય એસોસિએશન સાથે સંકળાયેલા તમામની છે.