રાજ્ય સરકાર અને ભારતીય ડાક વિભાગ વચ્ચે થયેલા સમજૂતી કરાર અંતર્ગત પેન્શનરો માટે મહત્વની સેવા શરૂ કરવામાં આવી છે.
પોસ્ટ વિભાગની તમામ પોસ્ટ ઓફિસો દ્વારા પેન્શનરોને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે.
પેટલાદના ધારાસભ્ય અને નિવૃત્ત આચાર્ય કમલેશ પટેલે પોતાના ઘરે આ સેવાનો લાભ લીધો હતો.
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલથી પેન્શનરોને ઘરે બેઠા હયાતી પ્રમાણપત્ર મળી રહે છે.
આ સેવાથી ખાસ કરીને બીમાર, અશક્ત અને વયોવૃદ્ધ લોકોને બેંક કે તિજોરી કચેરી સુધી જવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.

આ ઓનલાઈન પ્રમાણપત્રની માહિતી સીધી જિલ્લા તિજોરી અધિકારી સુધી પહોંચી જાય છે.
ફેમિલી પેન્શન મેળવનારા લોકો માટે પણ આ સેવા ઉપલબ્ધ છે. તેમાં પુનર્લગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર પણ સામેલ થઈ જાય છે.

પેન્શનધારકો 31 જુલાઈ સુધી નજીકની પોસ્ટ ઓફિસના પોસ્ટમેન અથવા બ્રાંચ પોસ્ટમાસ્ટરનો સંપર્ક કરી આ મફત સેવાનો લાભ લઈ શકે છે.
ધારાસભ્ય કમલેશ પટેલે આણંદ જિલ્લાના તમામ પેન્શનરોને આ સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

