Gujarat

થર્મલ ચોકડીથી ગાયત્રી નગર સુધીના માર્ગ પર બંને બાજુ કચરાના ઢગલા

સેવાલિયા થર્મલ પાવર સ્ટેશનના થર્મલ ચોકડી થી ગાયત્રી નગર સુધી વીટીપીએસના મુખ્ય માર્ગ પર બંને બાજુ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. પાવર સ્ટેશન દ્વારા રોડની બંને બાજુ દરરોજ સફાઈ કરવામાં આવતી હતી. જે બંધ કરી દેવાતાં રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

થર્મલ પાવર સ્ટેશનની ચોકડી મુખ્ય માર્ગ થી પ્રવેશ દ્વારા સુધી બંને બાજુ ગંદકીના ઢગ સર્જાતા રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોમાં સેવાઈ રહી છે. થર્મલ ચોકડી થી ગાયત્રી નગર સુધી 10 જેટલી સોસાયટી આવેલી છે.

જેથી હાલ ખદબદતી ગંદકી થી સોસાયટીના રહીશો અને રાહદારીઓને મોઢા પર રૂમાલ ઢાંકી પસાર થવું પડે છે. થર્મલ પાવર સ્ટેશન દ્વારા વર્ષ 2000થી 2007 સુધી સફાઈ ટેન્ડરની પ્રક્રિયા મુજબ રોડની બંને બાજુ 100 ફૂટ સુધી કાયમી સફાઈ કરી કચરો ઉઠાવવામાં આવતો હતો.

પરંતુ હવે આ ટેન્ડર માત્ર કાગળ પર લઈ સફાઈ માટેના સાધનો અને વાહનો પોતાની પ્રીમાઇસીસમાં ઉપયોગ માટે લેવામાં આવી રહ્યા છે.

વાર્ષિક વપરાતી સીએસઆર ગ્રાન્ટનું પંચાયત સાથે મળી આયોજન કરાય તો આ કચરો અને ગટરના પાણીની સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. પરંતુ જવાબદાર અધિકારીઓ આ રસ્તા પરથી પસાર થવા છતાં આખે પાટા બાંધીને પોતાની ઓફિસે માં જતા રહેતા હોય છે.

જેમાં આસપાસના રસ્તાની ગંદકી અને રોડ ઉપર ગટરના ગંદા પાણીને નજર અંદાજ કરી રહ્યા છે. જેના કારણે સોસાયટીના રહીશો, રાહદારીઓ અને પાવર સ્ટેશનના કર્મચારીઓ ને આ ગંદકીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે.

ત્યારે પાવર સ્ટેશનના સતાધીશો જાગે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.