આગામી 5 જૂન 2025ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થનાર છે. ભારત સરકારે આ વર્ષની થીમ “Ending Plastic Pollution Globally” રાખી છે. આ નિમિત્તે ખેડા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કલેકટર કચેરી નડિયાદ ખાતે નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયાના અધ્યક્ષસ્થાને અને નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈના સહ અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.
બેઠકમાં 22 મે થી 5 જૂન સુધીના પખવાડિયા દરમિયાન યોજાનારા કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી. જિલ્લામાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાશે.
પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે નાટકો ભજવાશે. સફાઈ અભિયાન અને પોસ્ટર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

3 જૂનના રોજ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રે નાગરિકોને મોટી સંખ્યામાં રેલીમાં જોડાવા અપીલ કરી છે. બેઠકમાં ટકાઉ વિકલ્પ ઉત્પાદનો બનાવતી કંપનીઓએ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક વિશે માહિતી આપી હતી.
પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ઉત્પાદનો કેવી રીતે બનાવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.