Gujarat

રાજકોટમાં રેડિયો મિર્ચી દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સાથે છોડનું વિતરણ કરાયું.

રાજકોટમાં રેડિયો મિર્ચી દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા સાથે છોડનું વિતરણ કરાયું.

રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે રાજકોટમાં ૯૮.૩ રેડિયો મિર્ચી દ્વારા અનોખી ‘મિર્ચી ગણેશ યાત્રા’ યોજવામાં આવી હતી. ગણેશ ચતુર્થીના દિવસે રેડિયો મિર્ચી દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિના મૂલ્યે વિતરણ કરાયું હતું તેમજ ‘ક્લીન-ગ્રીન રાજકોટ’ અંતર્ગત શહેરને હરિયાળું બનાવવાના હેતુથી વિના મૂલ્યે રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રેડિયો મિર્ચીની ટીમ દ્વારા ગણેશ ચર્તુથીએ એક જ દિવસમાં રાજકોટ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૯૦થી વધારે ઘરોમાં જઈને ગણપતિ દાદાની માટીની મૂર્તિ અને સાથે એક છોડ પહોંચાડવામાં આવ્યો હતો. ઈકો ફ્રેન્ડલી પ્રવૃત્તિઓને વેગ આપવાના હેતુથી રાજકોટ રેડિયો મિર્ચી દ્વારા આ પહેલ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઈકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિને ભાવિકોના ઘરે-ઘરે પહોંચાડવામાં ઈલેક્ટ્રીક કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પહેલ માટે રેડિયો મિર્ચીની ટીમ દ્વારા ગણપતિ દાદાની ૧૦૦ થી વધારે માટીની મૂર્તિઓ રાજકોટ જિલ્લાના લોધિકા ગામની શ્રી હરિ મિશન મંગલમની સખી મંડળની બહેનો પાસેથી ખરીદવામાં આવી હતી. જેથી તે બહેનોને આવક પણ થઈ, સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી’ ની સંકલ્પનાને વેગ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન શહેરીજનોએ ટીમ મિર્ચી અને ગણપતિ દાદાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20250830-WA0046-0.jpg IMG-20250830-WA0047-1.jpg