ગોધરા શહેરના કનેલાવ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં 20 દિવસીય સાંસદ ખેલ મહોત્સવનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવમાં વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને પુરસ્કૃત કરવામાં આવ્યા.

આંતરરાષ્ટ્રીય સ્તરની રમત સ્પર્ધાઓમાં દેશના ખેલાડીઓ વધુ સક્ષમ બને તે હેતુસર સમગ્ર દેશમાં આવા રમતોત્સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સાંસદ ખેલ મહોત્સવ 20 દિવસ અગાઉ શરૂ થયો હતો, જેમાં વિવિધ કક્ષાએ ટુર્નામેન્ટ્સ યોજાઈ હતી.
ખોખો, ફૂટબોલ, એથલેટિક્સ, યોગા અને કબડ્ડી જેવી રમતોમાં વિજેતા થયેલા રમતવીરોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ખેલાડીઓને આગામી રમત સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સમાપન કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને રાજ્યસભા સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

