સોશિયલ મીડિયા પર ફેમસ થવાના નશામાં યુવાનો જીવના જોખમે સ્ટંટ કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના મોટા વરાછામાં એક યુવકનો કારમાં જોખમી સ્ટંટ કરવાનો વીડિયો વાઈરલ થયો હતો. દોડતી ઓડી કારમાં સ્ટીયરીંગ છોડીને કારમાંથી બહાર આવીને સ્ટંટ કર્યો હતો. આ સાથે તેના સાથી મિત્ર પાછળ આવતી કારમાંથી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઇરલ થવાના પગલે યુવકની ધરપકડ કરવામાં આવી છે.
યુવકનો ચાલુ કરે જોખમી સ્ટંટ મોટા વરાછા વિસ્તારમાં એક યુવક મોંઘીદાટ ઓડી કારમાં સ્ટંટ કરી રહ્યો હતો. તે ડ્રાઈવિંગ સીટનો દરવાજો ખોલીને બહાર આવે છે, હાથ ઊંચો કરે છે, વાળ બરોબર કરે છે અને વારંવાર દરવાજો ખોલ-બંધ કરે છે. આ વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે ગાડીના નંબરના આધારે મોટા વરાછા સ્ટંટબાજની શોધખોળ કરી હતી.
પોલીસે સ્ટંટબાજની ધરપકડ કરી ઉત્રાણ પોલીસે જણાવ્યું હતું કે, એક વ્યકિત દ્વારા જાહેર માર્ગ પર જોખમી રીતે વાહન ચલાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયોની માહિતી મળવાની સાથે જ વીડિયો બાબતે તપાસ કરતા જાણવા મળ્યો હતો કે, આ વીડિયો મોટા વરાછા આનંદધારા સોસાયટી પાસેનો હોય અને આ વીડિયો આધારે ટેકનિકલ તથા હ્યુમન સોર્સ આધારે વીડિયોમાં દેખાયેલ સ્ટંટ બાજ શખસને ગણતરીની કલાકોમાં શોધી કાઢી તેની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
રિલ્સ બનાવી ફેમસ થવાના પ્રયાસો કરે છે ઉત્રાણ પોલીસે 18 વર્ષીય બેકાર યુવક શ્યામ લાલાભાઇ બાબરીયા (રહે. 109 નિલકંઠ સોસાયટી વિ-2, લલીતા ચોકડી, કતારગામ, સુરત)ની ધરપકડ કરી હતી. આ યુવક બેકાર છે અને આ રીતના રખડપટ્ટી કરીને રિલ્સ બનાવી ફેમસ થવાના પ્રયાસો કરે છે. આ વીડિયો બનાવવામાં આવ્યો ત્યારે ત્રણ જેટલી કાર એકસાથે હતી.