તાજેતરમાં થયેલ પહેલગામ આતંકી હુમલા અને ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પરિસ્થિતિ બાદ રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો તથા વ્યવસ્થાની જાળવણી માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરમાનું બહાર પાડ્યું છે.
વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ વડોદરા શહેરમાં 17 મે સુધી “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે.
આ આદેશ હેઠળ રીમોટ સંચાલિત ડ્રોન, UAV, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલૂન અને પેરા જમ્પિંગ જેવા તમામ પ્રકારના હવાઈ ઉપકરણોના સંચાલન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ નિર્ણય ગુજરાત સરકારના ગૃહ વિભાગના 07/01/1989ના જાહેરનામા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ-163 અને ડ્રોન રૂલ્સ, 2021ની સેક્શન-24 હેઠળ લેવામાં આવ્યો છે.
આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ માટે વડોદરા શહેરના અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.
પોલીસ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા રિમોટ સેન્સિંગ, ખાણકામ, કાયદો-વ્યવસ્થા, આંતરિક સુરક્ષા અને સંરક્ષણ હેતુઓ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.