Gujarat

પગાર વિસંગતતા સહિત વિવિધ માંગણીઓ સાથે સુત્રોચ્ચાર કર્યાં, મહારેલી માટે પોલીસ પરવાનગી ન મળી

ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશ્યન મહામંડળ દ્વારા છેલ્લા સાત દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન પર છે. જોકે, આ ઉપવાસ આંદોલન દરમિયાન સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં આજે ગાંધીનગરમાં મહારેલીનું આયોજન કર્યું હતું. જોકે, રેલીની મંજૂરી મળી ન હતી.

મહામંડળની મુખ્ય માંગણીઓમાં પગારમાં રહેલી વિસંગતતા દૂર કરવી, કોવિડ મહામારી દરમિયાન જાહેર રજાના દિવસોમાં કરેલી કામગીરીના 130 દિવસનો પગાર, ઈન્ફેક્શન એલાઉન્સ અને વધુ કાર્યભાર વાળા સ્થળોએ આસિસ્ટન્ટની નિમણૂંકનો સમાવેશ થાય છે.

રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અને ઈએસઆઈએસના લેબોરેટરી ટેક્નિશિયનો આ રેલીમાં જોડાવાના હતા. જોકે, પોલીસે હજુ સુધી રેલીની પરવાનગી આપી નથી.

રાજ્યમાં પંચાયત હેઠળ 1400થી વધુ લેબ ટેકનિશિયનો કાર્યરત છે. જેમાંથી ગાંધીનગરમાં 30થી વધુ કર્મચારીઓ ફરજ બજાવે છે. આ આંદોલનને કારણે ગ્રામ્ય વિસ્તારોના આરોગ્ય કેન્દ્રોમાં બ્લડ ટેસ્ટ સહિતની લેબોરેટરી સેવાઓ ખોરવાઈ શકે છે.

આ અગાઉ પણ લેબ ટેકનિશિયનો દ્વારા તેમની માંગણીઓ અંગે સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. પરંતુ કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.