વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંપલા ગામમાં બિન જામીનપાત્ર વોરંટની બજવણી કરવા માટે ગયેલા વડુ પોલીસ મથકના જવાન સામે આરોપીની માતાએ ગેરવર્તણૂક કરી હતી અને વોરંટ ફાડી નાખ્યું હતું. સરકારી કામગીરીમાં રૂકાવટ ઉભી કરનાર મહિલા સામે વડુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હેડ કોન્સ્ટેબલ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા વડુ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ગીરજાશંકરે નોંધાવેલી ફરિયાદની વિગત એવી છે કે, હેડ કોન્સ્ટેબલ માસરરોડ આઉટ પોસ્ટમાં ફરજ બજાવે છે.
તેઓ વોરંટ બજવણીના કામે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાંપલા ગામે જયેશભાઇ દિનેશભાઇ પાટણવાડિયા (રહે. સાંપલા, મોટું ફળિયું, પાદરા, વડોદરા) વિરૂદ્ધ સિવિલ કોર્ટના એન. આઇ. એક્ટ 138 મુજબનું નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવા ગયા હતા. તે સમયે ઘરમાં એક મહિલા અને એક પુરૂષ હાજર હતા. તેમની ઓળખ પુછતા તેણે જયેશનો સગો ભાઇ હોવાનું અને માતા ચંપાબેન પાટણવાડીયા હોવાનું જણાવ્યું હતું.
મહિલાએ ગેરવર્તણૂક કરી પોલીસકર્મીને અપશબ્દો બોલ્યા દરમિયાન પોલીસે જયેશ પાટણવાડિયા અંગે પુછતા યોગ્ય જવાબ આપ્યો ન હતો અને ગુસ્સામાં આવી જઇને ગેરવર્તણૂક કરી હતી. હોબાળો થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરીને ખોટા આરોપો મુકવામાં આવ્યા હતા.
આ રકઝક વચ્ચે ચંપાબેને પોલીસકર્મીને ગાળો આપી હતી. તેમના હાથમાં રહેલા વોરંટની પ્રિન્ટ ઝૂંટવી લઇને ડૂચો વાળી દીધી હતી. આ પરિસ્થિતિમાં અન્ય પોલીસ જવાનો આવી જતાં મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.