Gujarat

એક પતિના પરસ્ત્રી સાથે સંબંધ, બીજા કેસમાં દહેજની માંગણી; પોલીસે નોંધ્યો ત્રાસનો ગુનો

ખેડા જિલ્લામાં પરીણિતાઓ પર અત્યાચારના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે નડિયાદ મહિલા પોલીસ મથકે બે અલગ અલગ ફરિયાદો નોધાઈ છે.

જેમાં પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો અને દહેજની માંગણી કારણભૂત છે. નડિયાદ મહિલા પોલીસે બે જુદીજુદી ફરિયાદના આધારે શારિરીક માનસિક ત્રાસનો ગુનો નોંધ્યો છે.

નડિયાદ તાલુકાના એક ગામે રહેતી 34 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2009માં સુરત મુકામે રહેતા યુવાન સાથે જ્ઞાતિના રીતીરિવાજ મુજબ થયા હતા. લગ્ર બાદ પરીણિતાને સારા દિવસો રહ્યા હતા આ દરમિયાન પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ ધરાવે છે તે હકીકત ફોન દ્વારા પરીણિતાને માલૂમ પડ્યું હતું.

જે બાદ પતિને પૂછતા પતિએ પોતાના ફોનમાંથી તે મેસેજ ડીલીટ કરી નાખ્યા હતા અને પોતાની પત્ની સાથે ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો. આ બાદ પણ પતિ અન્ય કોઈ સ્ત્રીને પોતાની મોટરસાયકલ પર બેસાડી જતા પત્નીએ જોઈ હતી.

આ બાબતે અવારનવાર પતિ પત્ની વચ્ચે કકળાટ અને ઝઘડા થતા હતા. બીજા સંતાનના જન્મ બાદ પણ પતિ આ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હતો.

જ્યારે આ બાબતે સાસુ, સસરા અને નણંદ પણ તું ઘરની બહાર નીકળી જાય તેમ કહી ચઢામણી કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા. વધુ કકળાટ થતા ગત 11 મે 2025થી પીડીતા પોતાના પિયરમાં આવી રહેતી હતી.

જે બાદ આજ દિન સુધી પીડિતાને તેના પતિ અથવા તો સાસરીવાળા તેડવા ન આવતા આ બાબતે તેણીએ મહિલા પોલીસ સ્ટેશન મથકે અરજી કરી હતી.

જોકે તે બાદ પણ વાત સમાધાન પર ન આવતા છેવટે આજે પીડીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નડિયાદ મહિલા પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

બીજા અન્ય બનાવની વાત કરીએ તો, નડિયાદ શહેરમાં રહેતી 38 વર્ષીય લઘુમતી સમાજની દીકરીના લગ્ન વર્ષ 2006મા થયા હતા.

પતિ કોઈ કામ ધંધો કરતો નહોતો અને લગ્ન બાદ સાસુ, સસરા, જેઠ, જેઠાણીએ કહેલ કે તારા પિયરમાંથી કશું આપ્યું નથી તેમ કહી દહેજની માંગણી કરી હતી.

અને પીડિત આ પોતાના સાસરીના મકાનમાં ઉપરના માળે અલગ રહેતી હતી તો પણ સાસુ, સસરા, જેઠ, જેઠાણીએ ઘર ખાલી કરાવવા દબાણ કરી હેરાનગતિ કરતા હતા.

આ ઉપરાંત સાસુ, સસરા પણ પીડિતાને કહેતા કે અમે સિનિયર સિટીઝનમાં આવીએ છે તું અમને હેરાન કરે છે તેવા ખોટાં કેસ કરી તને ફસાવી દઈશું.

તેમજ મારા દીકરાના બીજા લગ્ન કરાવવા છે તું છુટાછેડા આપી દે તેમ કહી શારીરિક માનસિક ત્રાસક ગુજારતા હતા.

આ બનાવ મામલે પીડીતાએ પોતાના સાસુ, સસરા, જેઠ, જેઠાણી વિરુદ્ધ નડિયાદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.