Gujarat

ચલોડામાં ફાર્મ હાઉસમાંથી 1.45 લાખના વિદેશી પ્રીમિયમ દારૂ સહિત 3 શખ્સોને પોલીસે દબોચ્યા

ધોળકા રૂરલ પોલીસે ચલોડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં દરોડો પાડી સ્કોચ વ્હિસ્કી અને સિંગલ મોલ્ટ જેવી મોંઘીદાટ બ્રાન્ડની બોટલો સહિત કુલ ₹ 1,45,775નો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના અહેકો સૌરંભકુમાર અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચલોડા-સરોડા રોડ પર આવેલા ”રોઝ એન્ડ ક્રાઉન-2” બંગલોઝના ફાર્મ હાઉસ નંબર-1313માં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન ફાર્મ હાઉસના પહેલા માળે અને નીચેના રૂમમાં આવેલા બાથરૂમમાં છુપાવેલા મોંઘીદાટ બ્રાન્ડની બોટલો મળી આવી હતી: જેમાં ઇંદ્રી સિંગલ મોલ્ટ, ​જોની વોલ્કર (ગોલ્ડ લેબલ, ડબલ બ્લેક અને બ્લેક લેબલ),​ગ્લેનફિડીચ સિંગલ મોલ્ટ (ગ્રીન અને બ્લેક બોટલ),​બ્લેન્ડર્સ પ્રાઇડ અને બડવાઇઝર બીયર સહિત ​પોલીસે કુલ 28 વિદેશી દારૂની બોટલો અને 5 બીયરના ટીન કબજે કર્યા છે.

આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને સ્કોટલેન્ડની બનાવટનો હોવાનું જાણવા મળ્યું છે. ​આ શખ્સો પાસે દારૂ રાખવા અંગેનું કોઈ પણ પાસ કે પરમિટ ન હોવાથી પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે.