રાજકોટ નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત રેસકોર્ષ ખાતે પ્રી-ઈવેન્ટ પ્રેક્ટિસ યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૮/૮/૨૦૨૫ ના રોજ મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે દેશભરમાં ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટમાં રેસકોર્ષ નજીક બહુમાળી ભવન ખાતે પ્રી-ઈવેન્ટ યોજાઈ હતી જેમાં અંદાજિત ૪૦૦ જેટલા રમતવીરો જોડાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ પ્રી-ઈવેન્ટ પ્રેક્ટિસમાં મહાનુભાવઓએ રમતવીરોનું સન્માન કરી, રેલીને પ્રસ્થાન કરાવી હતી. કલેકટર ઓમપ્રકાશે આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતાં જણાવ્યું હતું કે આવતી કાલે તા.૨૯નાં રોજ “રાષ્ટ્રીય રમત દિવસ” છે. આ દિવસથી રાજ્યવ્યાપી ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશનની શરૂઆત થશે. વિદ્યાર્થીઓ, યુવાનો, તમામ ઉંમરના શહેરીજનો સહિત રમતપ્રેમી નાગરિકો ખેલ મહાકુંભમાં ૨૨ સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી વધુને વધુ નાગરિકો ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવી રમત-ગમતમાં આગળ આવે તેમ કલેકટર ઓમ પ્રકાશએ આ તકે અપીલ કરી હતી. આ તકે ઉપસ્થિત મહાનુભાવઓએ રમતવીર દેવયાનીબા ઝાલાનું સન્માન કર્યું હતુ. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, રીજીયોનલ મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ , જિલ્લા રમત વિકાસ અધિકારી રમાબેન મદ્રા, વિવિધ રમતોના કોચ સહિત બહોળી સંખ્યામાં વિધાર્થીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યાં હતા.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.