Gujarat

પલસાણામાં છઠ્ઠ પૂજાની તૈયારીઓ પૂરજોશમાં

સુરતના પલસાણા તાલુકામાં છઠ્ઠ પૂજાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કડોદરા, વરેલી, જોળવા અને તાંતિથૈયા જેવા વિસ્તારોમાં વસતા ઉત્તર ભારતીય પરિવારોમાં આસ્થાનો માહોલ છવાયો છે. નગરપાલિકા અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ પણ આ ઉજવણીમાં જોડાયા છે.

છઠ્ઠ પૂજા માટે નહેર કિનારે સફાઈ કરીને વ્યવસ્થિત ઘાટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. કડોદરા વિસ્તારમાં નગરપાલિકાના ચૂંટાયેલા હોદ્દેદારો સફાઈ ઝુંબેશમાં કર્મચારીઓ સાથે જોડાયા હતા, જ્યારે વરેલી, બગુમરા અને તાંતિથૈયા વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે

પલસાણા પંથકમાં આવેલી મિલો અને ઔદ્યોગિક એકમોમાં શનિવારથી લઈને છઠ્ઠ પૂજા પૂર્ણ થાય ત્યાં સુધીની રજાઓ જાહેર કરવામાં આવી છે. આ નિર્ણયથી ઉત્તર ભારતીય પરિવારોને તહેવારની તૈયારી કરવા અને વિધિસર પૂજા-અર્ચના કરવા માટે પૂરતો સમય મળી રહેશે.

આ ચાર દિવસીય વ્રત દરમિયાન નહાય-ખાય, ખરના, ડૂબતા સૂર્યને અર્ધ્ય અને ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને છઠી મૈયા તથા સૂર્યદેવની આરાધના કરવામાં આવે છે. આસ્થા અને પવિત્રતાના આ મહાપર્વને લઈને સમગ્ર પંથકમાં ભક્તિમય અને ઉત્સવનો માહોલ છવાયો છે.