નડિયાદ શહેરમાં સ્થાપિત મહાન નેતાઓની પ્રતિમાઓની દયનીય સ્થિતિને લઈને સામાજિક અગ્રણીઓએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાપિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઈન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમાઓની નિયમિત સફાઈ થતી ન હોવાની ફરિયાદ ઉઠી છે.
સામાજિક કાર્યકર દિનેશભાઈ રાઠોડે કરેલી રજૂઆત મુજબ, સરદાર ભવન પાસે ગાંધીજી, રેલવે સ્ટેશન પાસે સરદાર પટેલ અને સંતરામ રોડ પર ડૉ. આંબેડકરની પ્રતિમાઓ આવેલી છે. આ તમામ પ્રતિમાઓ પર ધૂળના થર જામી ગયા છે અને આસપાસનો વિસ્તાર કચરો અને ગંદકીથી ખદબદે છે. આ ઉપરાંત કેટલીક પ્રતિમાઓની આસપાસનો વિસ્તાર જર્જરિત થઈ ગયો છે, જેના કારણે રાષ્ટ્રીય નેતાઓનું અપમાન થઈ રહ્યું છે.

મહાનગરપાલિકાએ આ રજૂઆતને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લીધા છે. પ્રતિમાઓની આસપાસ ડીડીટી પાવડર છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને નિયમિત સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સાથે જ જર્જરિત વિસ્તારોના રીનોવેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ પગલાંથી શહેરના મહાન નેતાઓની પ્રતિમાઓનું ગૌરવ જળવાઈ રહેશે અને લોકોને પ્રેરણા મળતી રહેશે.

