Gujarat

વડોદરા પાદરા કસ્બામાં થયેલા દબાણો દૂર કરાયા, રૂપિયા 100 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઇ

વડોદરા જિલ્લાના પાદરા નગરમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા ચાલી રહેલી ઝુંબેશના પરિણામે છેલ્લા એક જ માસમાં અંદાજે રૂપિયા 100 કરોડની બહુમૂલી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. સરકારી જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવાની ઝુંબેશ હજુ પણ ચાલતી રહેશે તેમ જિલ્લા વહિવટી તંત્રએ જણાવ્યું હતું.

પાદરા કસ્બાના ત્રણ જુદી-જુદી સરકારી જમીન પરના દબાણો હટાવાયા સરકારી સર્વે નંબરની જમીનો ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે.

તેને ધ્યાને લઇ વડોદરા ગ્રામ્ય પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ અને પાદરાના મામલતદાર એચ. જે. ગોહિલ દ્વારા આવા દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. છેલ્લા એક માસ દરમિયાન આ પ્રક્રિયા અંતર્ગત પાદરા કસ્બાના ત્રણ જુદી-જુદી સરકારી જમીન ઉપર થયેલા દબાણો હટાવવામાં આવ્યા છે.

પાદરા કસ્બામાં આવેલા સર્વે નંબરો 561 અને 562, ફાઈનલ પ્લોટ નંબર 8, 39 અને 57 પરથી કુલ 37935 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. જે જમીનનું બજારમૂલ્ય અંદાજે રૂપિયા 68.28 કરોડ જેટલું થાય છે. તે જ રીતે, સર્વે નંબર 567/1/અ અને ફાઈનલ પ્લોટ નંબર 55 ઉપરથી 9954 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જંત્રી મુજબ આ જમીનની કિંમત રૂપિયા 17.91 કરોડ જેટલી થવા જાય છે.

આ ઉપરાંત સર્વે નંબર 1351 અને ફાઈનલ પ્લોટ નંબર 56 ઉપરથી 5166 ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનનું બજારમૂલ્ય અંદાજે રૂપિયા 8.29 કરોડ છે.આ રીતે તંત્ર દ્વારા કુલ 53055 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે, જેનું કુલ બજારમૂલ્ય રૂપિયા 95.49 કરોડ જેટલું છે.