પત્રકારત્વના માધ્યમથી નૈતિક બાબતોને જાગૃત કરવામાં મારો પૂરો પ્રયાસ રહેશે -શ્રી રજત શર્મા
ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતી ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મુખ્ય અતિથિ તરીકેની વિશેષ ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા આજે “આચાર્ય તુલસી સન્માન સમારોહ” યોજાયો હતો.
મુખ્યમંત્રીશ્રીએ તેરાપંથી જૈન સમાજના આચાર્ય શ્રમણજીના દર્શન કરી – આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રવિકાઓને વંદન કરી સૌનું દિલ જીતી લીધું હતું.
આ પ્રસંગે રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ઇન્ડિયા ટીવીના મુખ્ય સંપાદક અને પદ્મભૂષણ શ્રી રજત શર્માને તેમના સ્વચ્છ, સંયમિત તેમજ સકારાત્મક પત્રકારત્વના યોગદાન માટે ૧૬ માં “આચાર્ય તુલસી સન્માન”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી રજત શર્માને સન્માન પત્ર, મોમેન્ટો અને એક લાખ રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યું હતું. શ્રી રજત શર્માએ એક લાખ રૂપિયાના પુરસ્કારને, બાળકોના શિક્ષણ માટે કાર્યરત ઇન્ડિયા ટીવીના ટ્રસ્ટમાં આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભગવાને રચેલા સૃષ્ટિના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ક્યારેય સુખી નથી થઈ શકતી. કાર્ય અને કારણ વચ્ચે અવિભાજ્ય સંબંધ હોય છે, કારણ વગર કોઈ કાર્ય થતું નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભગવાન મહાવીર સ્વામીએ સ્થાપેલી જૈન પરંપરામાં અહિંસા એ મુખ્ય આધારશીલા છે. જ્યાં હિંસા છે ત્યાં દુ:ખ છે, અને જ્યાં અહિંસા છે ત્યાં આનંદ જ આનંદ છે. સત્ય, અહિંસા, સંયમ, અપરિગ્રહ અને અસ્તેયને જીવનમાં સ્થાન આપનારા વ્યક્તિ જ સાચા અર્થમાં શાંતિ અને સુખ અનુભવે છે, જ્યારે આ સિદ્ધાંતોને ત્યજી દેવામાં આવે ત્યારે જીવનમાં દુ:ખોનો આરંભ થાય છે. આ દુનિયાના અવિનાશી સિદ્ધાંતો છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, આપણે આવ્યા એ પહેલા પણ આ દુનિયા હતી અને આપણે ગયા પછી પણ દુનિયા યથાવત્ રહેશે. જે આપણું નથી તેને છોડી દેવું એ જ ઋષિ-મુનિઓની પરંપરા છે. દુનિયામાં કોઈપણ પ્રાણી દુ:ખ ઈચ્છતું નથી, દરેક જીવ માત્ર સુખની ઈચ્છા રાખે છે. પરંતુ અનુકૂળતા અને પ્રતિકૂળતા વચ્ચેના સંઘર્ષથી જ દુ:ખ પેદા થાય છે. અનુકૂળતા સુખનું કારણ છે જ્યારે ઈચ્છા વિરુદ્ધ મળેલું પરિણામ દુ:ખનું કારણ બને છે. આ શાશ્વત સિદ્ધાંતો આપણને ઋષિ-મુનિઓ તથા જૈન સંતોએ આપેલા છે.
તેમણે શાસ્ત્રોક્ત સિદ્ધાંતોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જે કાર્ય કરતા ભય લાગે, જે કાર્ય કરતા લજ્જા અનુભવાય અને જે કાર્ય કરતા શંકા થાય તેવું કાર્ય કરવું ન જાેઈએ. આ જ શાસ્ત્રોનું અમૂલ્ય માર્ગદર્શન છે. આચાર્ય તુલસીએ આવા સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે અવિરત પ્રયત્નો કર્યા હતા અને આજે આચાર્ય મહાશ્રમણજી પણ સમાજહિતનું કાર્ય કરી રહ્યા છે. આ સંતોની પરંપરા એ આપણને વિચારોની અણમોલ પુંજી આપી છે, જેને અપનાવવાથી જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.
રાજ્યપાલશ્રીએ પદ્મભૂષણ તથા તુલસી સન્માનથી સન્માનિત શ્રી રજત શર્મા અંગે જણાવ્યું કે, સંતોની જેમ પત્રકારત્વ પણ સમાજ નિર્માણનું પવિત્ર કાર્ય કરે છે. પત્રકારત્વનો સાચો અર્થ છે – નીડરતા, સત્ય અને નિષ્ઠા. શ્રી રજત શર્મા પોતાના નિડર અને નિષ્ઠાવાન પત્રકારત્વ દ્વારા સમાજમાં સકારાત્મકતા ફેલાવી રહ્યા છે. તેઓ દેશના અનેક લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તેમનું સકારાત્મક ચિંતન અને જીવનની સજ્જતા પત્રકારત્વના ગૌરવ અને સ્વાભિમાનને વધુ ઊંચાઈ આપે છે. તેમની કર્મનિષ્ઠા અને અથાગ પરિશ્રમ ઈશ્વરની વિશેષ કૃપાનું પ્રતિબિંબ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ઉલ્લેખ સાથે રાજ્યપાલશ્રીએ કહ્યું કે, મહાપુરુષો દુનિયાના બનાવેલા રસ્તા પર નથી ચાલતા, પરંતુ કર્તવ્યનિષ્ઠા, કર્મયોગ અને તપસ્યાથી નવો માર્ગ પ્રસ્થાપિત કરે છે. તેઓ પરમાત્મા દ્વારા મોકલાયેલા સમાજના દૂત છે.
વરિષ્ઠ પત્રકાર શ્રી રજત શર્માએ સન્માન પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આચાયર્શ્રી મહાશ્રમણજીએ માનવતાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમણે સમાજ માટે ૬૦ હજાર કિલોમીટરથી વધુ પગપાળા યાત્રા કરી છે. તેમનું વ્યક્તિત્વ વિરલ છે. શ્રી શર્માએ રાજ્યપાલશ્રીને ભારતના પ્રાકૃતિક ખેતીના કૃષિ ઋષિ ગણાવ્યા હતા. કોઈપણ સન્માન વધુ જવાબદારીનો અહેસાસ કરાવે છે તેમ જણાવીને, તેમણે ઉમેર્યું કે, સન્માન બાદ કર્તવ્ય બોધ પણ થાય છે કે કર્તવ્ય પંથે મારા પગ કોઈ દિવસ ડગમગશે તો આ સન્માન મને કોઈ પણ ખરાબ કામ કરતા અટકાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ૨૦ વર્ષથી આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ, ગુરુના આદર્શોને આગળ વધારવા અને તેમના વિચારોનો પ્રચાર પ્રસાર કરવા માટે કાર્યરત છે. જેના દ્વારા અત્યાર સુધીમાં અનેક સાહિત્યકારો, પત્રકારો અને સમાજમાં યોગદાન આપનારા લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. આ મંચ દ્વારા વિશ્વનાથ સચદેવ, ડૉ.મનોહર ત્રિપાઠી, શ્રી નંદકિશોર નોટિયાલ, ગુલાબ કોઠારી,રમેશ અગ્રવાલ જગદીશચંદ્ર ,રાજ્ય સભાના ઉપસભાપતિ હરિવંશ, ડો. કુમારપાળ દેસાઈ, દીક્ષિત સોની મનીષ બરડીયા જેવા મીડિયા ક્ષેત્રના તજજ્ઞ અને દેશ માટે મીડિયામાં પોતાનું સકારાત્મક યોગદાન આપનાર લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે યુગ પ્રધાન આચાર્ય મહાશ્રમણજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, ધર્મ અને આધ્યાત્મની શક્તિ વિશિષ્ટ શક્તિ હોય છે .જેમના જીવનમાં અહિંસા, તપ, સંયમ છે ત્યાં ધર્મ છે. તેમનું સદા મંગલ થાય છે. આચાર્ય મહાશ્રમણજીએ મીડિયાની ભૂમિકા અંગે જણાવ્યું હતું કે,મીડિયાના માધ્યમથી જ સમાજને સારું પથ દર્શન મળે છે. આજે સમાજમાંથી બદીઓ દૂર કરવા માટે સકારાત્મક પત્રકારત્વની ખૂબ જરૂર છે.
આ અવસરે નવનીતના સંપાદક વિશ્વનાથ સચદેવે પ્રાસંગિક પ્રવચન અને આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચના અધ્યક્ષ શ્રી રાજકુમાર પુગલિયાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
“એક ગુરુ એક વિધાન” ની ફિલોસોફી સાથે, ૭૦૦ થી વધુ તેરા પંથી જૈન સમાજના સાધુ- સાધ્વીઓના આચાર્ય મહાશ્રમણજી ગુરુ છે.
આ પ્રસંગે તેરાપંથી જૈન સમાજના આગેવાનો,નિવૃત્ત નાયબ માહિતી નિયામક શ્રી પંકજ મોદી,મોટી સંખ્યામાં સાધુ- સાધ્વીઓ, ભાઈઓ- બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.