પાલનપુરના સિટીલાઈટ વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા છેલ્લા એક વર્ષથી યથાવત્ છે. ગટર લાઇનનું યોગ્ય જતન ન થવાથી વારંવાર ચોકઅપ થાય છે. મેઇન હોલમાંથી ગટરનું દૂષિત પાણી રસ્તા પર વહે છે. નગરપાલિકા દ્વારા માત્ર બમ્બા વડે પાણી ખેચી તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે છે. કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ થતો નથી.
ગટરમાંથી નીકળતી દુર્ગંધ અને ગંદકીથી લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ નગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. સિટીલાઈટ વિસ્તારમાં આવતા લોકોને ગટરનું પાણી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે.
નાગરિકોની માંગ છે કે નગરપાલિકા ગટર વ્યવસ્થાનું નિયમિત જતન કરે. મેઇન હોલ સમયસર સાફ થાય. જેટીંગ મશીનથી મુખ્ય લાઇનો સાફ કરવામાં આવે. ચોકઅપના પ્રશ્નો હોય તેવા વિસ્તારોમાં અગાઉથી કામગીરી થાય. તરસ લાગે ત્યારે કૂવો ખોદવાની નીતિ બદલી કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.

