તાલાલા તાલુકાના પીપળવા ગામના પ્રસુતા કવિબેન જયેશભાઈ નંદાણીયાનું પ્રસુતિની સારવાર દરમિયાન તાલાલાની ખાનગી હોસ્પિટલના ડો. અક્ષય હડિયલની બેદરકારીથી મોત થયાની મૃતકના પતિ જયેશભાઈ રામભાઈ નંદાણીયાએ લેખિત ફરિયાદ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈ તારીખ 25 મેના રોજ સાંજે 5 વાગ્યે મહિલાને ડો. અક્ષય હડિયલ પાસે બતાવવા લઈ ગયા હતા. તેઓએ આજે જ નોર્મલ ડિલિવરી થઈ જશે તેવું જણાવી દાખલ થવાનો આગ્રહ રાખતા તેની સલાહ મુજબ જયેશભાઈએ પત્નીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
અને ડો. હડિયલે દવા ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરી હતી.
રાત્રે 9 વાગ્યા સુધી રાહ જોએલ પરંતુ પત્નીને નોર્મલ ડિલિવરી ન થતાં અને અતિશય દુખાવો ઉપડતા ડોક્ટરે સિઝેરિયન કરવું પડશે તેવું જણાવ્યું હતું આથી તેની સલાહ મુજબ સિઝેરિયન માટે સંમતિ આપી હતી.
જેથી તબીબ હડિયલે રાત્રે 9:30 કલાકની આસપાસ સિઝેરિયન કર્યું હતું. ત્યારબાદની કવીબેનની તબિયત લથડતા સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે સારવાર શક્ય ન હોય તો બહારગામ સારવાર માટે લઈ જઈએ તેમ કહેતા ડોક્ટરે બહાર લઈ જવાની ના પાડી તબિયત સામાન્ય છે એવું જણાવ્યું હતું.
મહિલા બેભાન જેવી હાલતમાં હતા તે દરમિયાન રાત્રે 1:30 વાગ્યે અચાનક ડોક્ટરે એમ્બ્યુલન્સ બોલાવી મહિલાની તબિયત વધુ ખરાબ હોવાથી વેરાવળ ખાતેની આઈજી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવાનું જણાવ્યું હતું જેથી તાત્કાલિક સારવાર માટે ખસેડતા ડોક્ટરે એમ્બ્યુલન્સમાં તપાસી કવિબેનને મૃત્યુ પામ્યા હોવાનું જણાવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહ્યું હતું.
યા મહિલાનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું આમ ડો. અક્ષય હડિયલની બેદરકારીના કારણે અને યોગ્ય સારવાર ન આપવાથી, લેબોરેટરીનો રિપોર્ટ કરાવ્યા વિના કવીબેનનું મૃત્યુ થયાની ફરિયાદ તેના પતિ જયેશભાઈ નંદાણીયાએ કરી હતી જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
એક માસ પૂર્વે પણ બેદરકારીથી 2 પ્રસૂતાના મૃત્યુ થયાનો આક્ષેપ કરાયો’તો
પ્રસુતિ કરાવનાર ડો. હડિયલ સામે એક માસ પૂર્વે પણ બેદરકારી બદલ 2 પ્રસૂતાના મૃત્યુ થયાનો આક્ષેપ કરાયો હતો.
એક માસ પૂર્વેની સરકારી આરોગ્ય કેન્દ્રની ઘટનાના પગલે ડો. હડિયલને સરકારી હોસ્પિટલમાંથી દૂર કરી દેવાયા હતા.
બાદમાં ડો.હડિયલે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી જ્યાં પણ આવી ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી.
પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધ્યા
તબીબની બેદરકારી નિર્દોષ પ્રસુતાઓ ભોગ બની રહી હોવાના ગંભીર આરોપના પગલે પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધ્યા હતા.
પોલીસ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટના આધારે તબીબ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી.

