રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં ૪ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બોડેલી અને હાલોલમાં ૪ ઇંચ વરસાદ વરસ્યો હતો. જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં ૩ ઇંચ, જ્યારે સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ૩૫ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના ૧૧ તાલુકાઓમાં ૨ ઈંચથી વધુ વરસાદ અને ૨૦ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકોને વરસાદના આગમનથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો ફસાયા હતા અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેતું જાેવા મળ્યું હતું. ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી.
ઉધના બસ ડેપોની બહાર વરસાદી પાણી ભરાયા છે અને ઉધના – નવસારી રોડ પર વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે અને પાણી ભરાતા ટ્રાફિક જામ સાથે વાહનોની લાઈન લાગી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, મજુરા, અલથાણ, પાંડેસરા, ભીમરાડ, ખજાેદ, આભવા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.