વેરાવળમાં પાલિકા તંત્રની પ્રી-મોનસૂન કામગીરીની પોલ કમોસમી વરસાદના સામાન્ય ઝાપટામાં જ ખૂલી ગઈ છે. શહેરની મુખ્ય બજાર સુભાષ રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ સાથે ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિસ્તારના વેપારી સંજયભાઈ મેરવાનાએ જણાવ્યું કે, પાલિકા તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલનું કોઈ સચોટ આયોજન નથી. બે દિવસ પહેલા જ પાલિકા તંત્ર અને શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ગટર સફાઈના નામે JCB મશીનથી ગટરો ખોલી નાખી હતી. પરંતુ સફાઈ માત્ર નામ પૂરતી જ કરવામાં આવી હતી.

રાહદારી દક્ષાબેન ચોલેરાએ જણાવ્યું કે, સામાન્ય વરસાદમાં ગટરના ગંદા પાણી રોડ પર આવી જાય છે. લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. બજારમાંથી પસાર થતા કપડાં પણ ગંદા થઈ જાય છે.

સામાજિક કાર્યકર બાબુભાઈ ચોપડાએ આક્ષેપ કર્યો કે, પાલિકા તંત્ર દર વર્ષે પ્રી-મોનસૂન કામગીરી માત્ર કાગળ પર કરે છે. તેઓએ લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. વેપારીઓ અને રાહદારીઓએ આ બાબતે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે.


