રાજકોટ ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમે લાખોના દાગીના અને રોકડ પરત કરીને ઈમાનદારી દાખવી.
રાજકોટ શહેર તા.૧૧/૮/૨૦૨૫ ના રોજ ગુજરાત સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન સેવા અનેક લોકોના જીવન બચાવવા માટે આશીર્વાદ સમાન બની છે. સાથ-સાથે એમ્બ્યુલન્સના સ્ટાફે પ્રામાણિકતાના અનેક દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા છે. ત્યારે રાજકોટમાં વધુ એક ઘટનામાં લાખોના દાગીના અને રોકડ પરત કરીને ૧૦૮ ની ટીમે ઉત્કૃષ્ટ ઈમાનદારી દાખવી હતી. ગોંડલ-જેતપુર નેશનલ હાઈ-વે પર આવેલા કાગવડ ગામની સીમમાં વાહન અકસ્માત સર્જાયો હતો. જૂનાગઢથી ગોંડલ તરફ જઈ રહેલી કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતાં, કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. જેથી, કારમાં સવાર ઠાકરશીભાઈ ડોબરિયા અને તેના પત્નીને ઈજા થઈ હતી. તેઓ ગોંડલ ખાતે પોતાની દીકરીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ઘાયલ દંપતીને ઝડપથી ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. એમ્બ્યુલન્સના પાયલોટ કીર્તિદાનભાઈ ગઢવી અને પ્રવીણસિંહને કારમાંથી દંપતીનો કિંમતી સામાન મળી આવ્યો હતો. તેમને કારમાંથી ૪:૫૦ લાખ રૂ. રોકડા, ૪ તોલા સોનાના દાગીના અને બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેમણે આ તમામ ચીજવસ્તુઓ દંપતીના જમાઈ અરવિંદભાઈ રામાણીને પરત કરી હતી. આમ, ઈજાગ્રસ્તોને સમયસર સારવાર પૂરી પાડવાની સાથે તેમની કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખીને બંને કર્મયોગીઓએ કર્તવ્યનિષ્ઠા અને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.