થોડા દિવસ પહેલા પોલીસની રહેમ નજર હેઠળ ફાટીને ધુમાડે ગયેલા પીપોદરાના બુટલેગર રાકેશ પકોડાએ અકસ્માત જેવી નજીવી બાબતમાં એક ઘર પર પોતાના સાગરીતો સાથે તલવાર વગેરે જેવા હિંસક હથિયારો સાથે હુમલો કરી ઘર સળગાવવાની કોશિશ કરી હતી.
તલવાર વડે ગંભીર ઇજા પહોંચાડવાની ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસે સિંચાઈ વિભાગ સાથે ભેગા મળી નહેર ઉપર દબાણ કરવામાં આવેલી રાકેશ પકોડાની ગેરકાયદે લારીઓ તોડી ગુનેગારને સબક શીખવ્યો.
રાજ્યમાં અસમાજિક તત્વો અને બૂટલેગરો માથું ઉચકી રહ્યા છે. ત્યારે આવા તત્વોને ડામવા માટે રાજ્યની પોલીસ હરકતમાં આવી છે. રાજ્યના પોલીસ વડાએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી જે પણ અસમાજિક તત્વો તેમજ બૂટલેગરો છે તેવોનું લિસ્ટ બનાવવાના આદેશ કર્યા છે.જેને લઈને પોલીસ હરકતમાં આવી છે.
ત્યારે થોડા દિવસ અગાઉ માંગરોળના પીપોદરા ગામે સામાન્ય બાબતમાં એક પરિવારનું ઘર સળગાવી તલવાર વડે ઘરના લોકો ઉપર હુમલો કરી તેમને જીવલેણ ઇજાઓ પહોંચાડી આંતક મચાવનાર રાકેશ પકોડા વિરુદ્ધ પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડી કન્સ્ટ્રક્શન કરાવી તેનો વરઘોડો કાઢ્યો હતો.
ત્યારબાદ ફરી એકવાર રાકેશ પકોડા વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. બુધવારના રોજ સિંચાઈ વિભાગને સાથે રાખી પોલીસ બુલડોઝર લઈને રાકેશ પકોડાના ઠેકાણા પર પહોંચી હતી અને તેણે સિંચાઈ વિભાગની જગ્યામાં ગેરકાયદે દબાણ કરી ગોઠવેલ તમામ લારીઓ હટાવી તોડી પાડી દીધી હતી.
ત્યારે પોલીસની કાર્યવાહી જોવા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. એકડા થયેલા લોકોએ એક જ સ્વરે પોલીસની અને તંત્રની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવી કાર્યવાહી માથાભારે તત્વોએ ગેરકાયદે દબાણો ઊભા કર્યા છે અને સામાન્ય લોકોને હેરાન કરી રહ્યા છે તેઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તેવી લોકો માગ કરી રહ્યા છે.

