જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આતાશબાજી સાથે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા. જામનગરના સિંધી સમાજ દ્વારા સાત રસ્તા સર્કલ પાસે આવેલા પ્રદર્શન મેદાનમાં સાંજે 8.00 વાગ્યે રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો.
નાનકપુરી ખાતેથી વિવિધ પાત્રો સાથે આબેહૂબ વેશભૂષામાં રામસવારી નીકળી હતી. આ રામસવારી શહેરના મુખ્યમાર્ગો જેવા કે પવનચક્કી, હવાઈ ચોક, બર્ધનચોક, સજુબા શાળા, બેડી ગેટ, લીમડા લાઈન અને જિલ્લા પંચાયત થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. શોભાયાત્રાના રૂટ પર હનુમાનનું પાત્ર ભજવતા સિંધી સમાજના યુવાનો અને ડાગલાઓની હડિયાપટ્ટી દ્વારા વાતાવરણ જીવંત બન્યું હતું.

પ્રદર્શન મેદાનમાં મેઘનાદ અને કુંભકર્ણના 30-30 ફૂટ ઊંચા અને રાવણનું 35 ફૂટ ઊંચું પુતળું બનાવવામાં આવ્યું હતું. આ પુતળાઓમાં ફટાકડા ભરીને તેમને ઉભા કરાયા હતા. રામ અને રાવણના યુદ્ધ બાદ ભગવાન શ્રીરામના તીર દ્વારા પુતળાઓને પલિતો ચાંપવામાં આવ્યો હતો, જેનાથી તેમનું દહન થયું.