Gujarat

વર્ષગાંઠ, જીવનમાં એક વર્ષનું ઓછું થવું અને નવા વર્ષનું શરૂ થવું- રેખા પટેલ

વર્ષગાંઠ, જીવનમાં એક વર્ષનું ઓછું થવું અને નવા વર્ષનું શરૂ થવું- રેખા પટેલ
 
વર્ષગાંઠ, નવા સંકલ્પ અને અધૂરા સપનાં પુરા કરવાનો, જીવનમાં ફરીથી રંગ ભરી દેવાની તક સાથે ખુશી અને તાજગીથી આગળ વધવાનો દિવસ.. એટલેજ આ દિવસની ઉજવણી કરાય છે.
 
જન્મદિવસ માત્ર કેક કાપવાનો કે ભેટો મેળવવાનો પ્રસંગ નથી. તે આપણને યાદ અપાવે છે કે સમય કિંમતી છે, એ ધીમે ધીમે ઓસરતો જાય છે. એક વર્ષ પૂરું થવું એ અંત નથી,
પરંતુ વિચારવાનો દિવસ છે કે છે કે ગયા વર્ષે શું મેળવ્યું, ગુમાવ્યું અને આવનારા વર્ષમાં વધારે સારું કેમ જીવવું.
આપણા અસ્તિત્વની ઉજવણી કરવાનો પ્રસંગ છે. જ્યાં આપણે પાછું વળી જોઈ શકીએ અને પોતાના જીવનના દરેક પડાવને આભારી દિલથી સ્વીકારી શકીએ.
 
જન્મદિવસે મળતી વધાઈ, આશીર્વાદ એ યાદ અપાવે છે કે સમય ઓસરે છે, પણ પ્રેમ અને સંબંધો કદી જૂનાં થતા નથી. વર્ષગાંઠ ભલે ઉજવાય કે નહિ પરંતુ દરેક વ્યક્તિએ ખુશી વહેંચવી જોઈએ, જેમ નાના બાળકો પિપરમીંટ વહેચતા અનુભવે છે.
 
જન્મદિવસ એ દિવસ છે જ્યારે આપણે દુનિયામાં આવ્યા હતા. આપણા અસ્તિત્વ માટે, માતા-પિતાના પ્રેમ માટે, અને જીવનની દરેક તક માટે આભાર માનવાનો આ દિવસ છે. રોજિંદી ભાગદોડમાં પોતાના લોકો સાથે સમય વિતાવી શકતો નથી, તો જન્મદિવસ એ એક એવો દિવસ છે જ્યારે સૌ સાથે મળીને કે ફોન કરીને આનંદ વહેંચી શકાય છે..
 
આ દિવસ ખુદને માન અને અભિનંદન આપવાનો દિવસ છે, ક્યારેક આપણે બીજાઓની ચિંતા કરતાં પોતાને ભૂલી જઈએ છીએ. જન્મદિવસ એ દિવસ છે જયારે આપણે પોતાને ખાસ અનુભવવાનો અધિકાર ધરાવીએ છીએ.
 
13 ઓક્ટોબર…મારી માટે ખાસ દિવસ છે, કારણ આ દિવસે મને વધુ અહેસાસ થાય છે કે મારી આજુબાજુ મને શુભેચ્છાઓ પાઠવવા, પ્રેમ કરવા, સાચવવા કેટલા બધાનો સાથ છે. જન્મદિવસે યાદ અપાવે છે કે સમય આગળ વધે છે. એ સાથે કદાચ શરીરની કાર્યદક્ષતા ઓછી થાય છે.
છતાં મન તો હજુ પણ નાનકડી ખુશીઓ શોધવા તત્પર છે, અને બાકીનું પૂરું કરવા જોશ બેવડાય છે. સાચું કહું તો, જન્મદિવસ પરિવાર, મિત્રો અને તમામ પ્રિયજનો સાથે પ્રેમ અને મીઠી યાદો વહેંચવાનો દિવસ છે. વર્ષો ભલે ઓછા થતા જાય છે, પણ સુખ,પ્રેમ અને મજા ક્યારેય જૂની નથી થતી.
 
એક વર્ષ પૂરું, સાથે નવા સપનાં શરૂ,
આનંદના ભરપૂર ઝરમરની હજુય જરુર
મસ્તી મજા, પ્રેમ, યાદો, સાથે, ઉડવું છે આભમાં
આ વર્ષ લાવે નવી ઉર્જા સપનોની સાથમાં.
 
જન્મદિવસ યાદ અપાવે છે ભલે ઘડિયાળની સોય પાછી ન ફરે, પણ સંબંધોના સુગંધિત ફૂલો વર્ષો સાથે વધુ સુગંધ પામે છે . બાળપણમાં આપણે સપનાઓમાં જીવી લેતા, યુવાનીમાં ઉંમર વધે એમ જીવનમાં ઘણો બદલાવ આવે છે. શરીરથી લઈને મન સુધીનું જીવનમાં ઘણું બદલાય છે. એ બદલાવ સહર્ષ સ્વીકારવો રહ્યો. જિંદગીના દરેક પડાવમાં પોતાની એક અનોખી મજા છે.

બાળપણનું મિત્રો સાથે નિર્દોષ હસવું,કૂદવું. યુવાનીનો જોશ, હૈયામાં ફૂટતા ભીના સ્પંદનો, સંસારનાં સુખોને મુઠ્ઠીમાં ભરવાનું પાગલપણ. સપનાઓને સાકાર કરવા માટેની દોડ. વચમાં આવતા અનેક પડકારો અને સંઘર્ષોનો સામનો કરતાં, સાથે અનુભવોનું ભાથું એકઠું થતું.
 
આજે જ્યારે અરીસામાં પોતાને જોઈએ છીએ ત્યારે ચહેરાની ચમક અને દેખાવ પહેલા જેવો નથી દેખાતો, પરંતુ સમયની ખાણમાં સંધરાએલા અનુભવોનું ઝવેરાત આંખોમાં તેજ અને મનમાંની શાંતિ આપવા પુરતા લાગે છે. બસ આ અનુભવ એ સાચું જીવ્યાની ખુશી અને સમયના અનુભવોની શ્રેષ્ઠ ભેટ છે.
સાથે વૃદ્ધાવસ્થામાં સ્વાસ્થની ઊંચ-નીચને જાળવી શાંતિનું જીવન. આ બધું મળીને જ જીવનનું આખું સૌંદર્ય રચાય છે. સમય સાથે માનવી વધુ સમજદાર બને છે, અનુભવોની ખાણ બની જાય છે.
 
એક વર્ષ પૂરૂં થવું અંત નથી, જીવનમાં નવો પ્રકાશ છે. ઉંમર સાથેનો બદલાવ અને જીવનની ઉજવણી બદલાય તો આ દિવસ ઉત્સવ બની જાય છે. સમય એક એવી નદી છે જે સતત વહેતી રહે છે. એ નદી ક્યારેય થંભતી નથી. ઉંમર સાથે શરીર થાકે છે, પણ મન વધુ સમજદાર બને છે. આપણી નજર ફક્ત બહાર નહીં, પોતાના અંદર જોતા શીખી જાય છે. દરેક વર્ષ એ જીવનમાં ઉમેરાતા અનુભવનો અધ્યાય. એથીજ ભલે ઉંમર ઓછી થાય છે છતાં તેની ઉજવણી કરાય છે.

9974655756

IMG-20251009-WA0063.jpg