તાલાલા ગીર ખાતે આજે સાંજે શાનદાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સરદાર પટેલ ચોકથી શરૂ થઈને શહેરના મુખ્ય માર્ગો અને બજારોમાં ફરી વળી હતી.

યાત્રા દરમિયાન ‘ભારત માતા કી જય’ના નારા સાથે સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. આ યાત્રા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ કરેલી કાર્યવાહીની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવી હતી.
યાત્રામાં દેશભક્તિના ગીતો વચ્ચે નાગરિકોએ હાથમાં તિરંગો લઈને ભાગ લીધો હતો. ખાસ કરીને ભારત માતાની વેશભૂષામાં સજ્જ થયેલી દીકરીઓ અને મોટી સંખ્યામાં બહેનોની હાજરી નોંધપાત્ર રહી હતી.

યાત્રામાં સંજય પરમાર, મહેન્દ્ર પીઠિયા, અમિત ઉનડકટ, પનુભાઈ રાઈચુરા અને અરવિંદ જોટવા સહિત અનેક અગ્રણીઓ જોડાયા હતા. આ ઉપરાંત હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ અને યુવાનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 તારીખે થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓએ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ તપાસીને હત્યા કરી હતી. આ ઘટના બાદ ભારતીય સેનાએ હવાઈ કાર્યવાહી કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા હતા અને લગભગ 100 આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો હતો.




