આણંદ શહેરમાં સલાટીયા રોડ પર આવેલી અમત પાર્ક,હાનિયા સોસાયટી,તાઈફ સોસાયટી,સારા ગાર્ડન સહીત આસપાસમાં આવેલી 30 થી વધુ સોસાયટીમા ભુગર્ભ ગટર યોજના અંતર્ગત ભુગર્ભ ગટરની પાઈપ લાઈન નાખ્યા બાદ ખોદી નાખેલા રસ્તાઓ નવા બનાવવામાં નહી આવતા તેમજ પ્રથમ વરસાદમાં સોસાયટીમાં કાદવ કીચડ સર્જાતા તેમજ પાણી ભરાતા સોસાયટીના 20 હજારથી વધુ રહીશોને ભારે હાલાકી વેઠવી પડતી હોવાથી તંત્ર સામે ભારે રોષ વ્યકત કરીને મહિલાઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સલાટીયા રોડ પર આવેલી સારા ગાર્ડન સોસાયટી, હાનિયા સોસાયટી. તાઈફ સોસાયટી તેમજ નેઅમત પાર્ક સહીતની વિવિધ સોસાયટીઓમાં ભુગર્ભ ગટર યોજના હેઠળ ભુગર્ભ ગટર માટે પાઈપ લાઈન નાખ્યા બાદ કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય રીતે ખાડાઓનું પુરણ કરવામાં આવેલું નથી તેમજ ખોદી નાખેલા રસ્તાઓનું સમારકામ કે રસ્તા નવા બનાવવામાં નહી આવતા કોન્ટ્રાકટરની બેદરકારીનો ભોગ સોસાયટીનાં રહિશો બન્યા છે.
માર્ગોનું સમારકામ હાથ ધરવા માંગ
આ વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજના બાદ કોન્ટ્રાકટર દ્વારા ખોદી નાખેલા રસ્તાઓ નવા બનાવવામાં આવ્યા નથી. જો ચોમાસુ શરૂ થાય અને વધુ વરસાદ પડે તો આ વિસ્તારનાં લોકો માટે ધરની બહાર કેવી રીતે નિકળવું તેવી સ્થિતિ સર્જાય તેમ છે,ત્યારે આ અંગે મનપા દ્વારા તાકીદનાં ધોરણે આ સોસાયટીનાં માર્ગોનું સમારકામ કરી અવર જવર યોગ્ય બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.> ઈલ્યાસ આઝાદ સ્થાનિક પૂર્વ કાઉન્સિલર
બે દિવસમાં તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે
આણંદ મનપાનાં એન્જીનીયરને આ અંગે તપાસ કરી વેટમિક્ષ અને છારો નાખી સોસાયટીનાં માર્ગો અવર જવર માટે યોગ્ય કરવા જણાવ્યું છે,અને એક બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. > એસ કે ગરવાલ ડેપ્યુટી કમિશ્નર આણંદ
કપચી નાંખી રસ્તો અવરજવર થાય તે માટે યોગ્ય બનાવો
ચોમાસા પહેલા મહાનગરપાલિકા દ્વારા આ ચાર સોસાયટીઓમાં ખોદી નાખેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવે અથવા તો કોંક્રીટ અથવા કપચની ગ્રીટ નાખી રસ્તો અવર જવર કરવા માટે યોગ્ય કરવામાં આવે. > ઇરફાનભાઇ વ્હોરા, સ્થાનિક રહીશ

