Gujarat

લીંબડી વિદ્યાનગર સોસાયટીના રહીશોએ પાણીની નંખાતી લાઈનનો વિરોધ કર્યો

લીંબડી વિદ્યાનગર સોસાયટીના રહીશોએ નંખાઈ રહેલી પાણીની લાઈનનો વિરોધ કર્યો હતો. પાણીની લાઈન નાંખતી વખતે રસ્તા, સોર્સ કૂવાને નુકસાન પહોંચતું હોવાની રાવ ઊઠી છે. જોકે બાજુની સોસાયટીના લોકોએ કામને આવકાર્યુ હતું.

લીંબડી શહેરના રેલવે સ્ટેશન આજુબાજુના વિસ્તારોમાં પાણીની લાઈન નાંખવાની કામગીરી શરૂ છે.‌ પાણીની લાઈન નાંખતી વખતે પાકા રસ્તા તૂટી જતાં લોકોમાં રોષ સાથે દુઃખ છે.

રવિવારે પાણીની લાઈન નાખવા માટે વિદ્યાનગર સોસાયટીમાં ખોદકામ કરાતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો.‌

સ્થાનિક રહીશ જયુભા ઝાલાએ જણાવ્યું હતું કે લાઈન નાંખવા માટે ખોદકામ કરતી વખતે રોડની સાથે લોકોએ મકાન બહાર બનાવેલા સોર્સ કૂવા અને ખારકૂવા તૂટી જશે.

લોકોને મોટી નુકસાની વેઠવાનો વારો આવશે. નુકસાની ન થાય તેમ કામ કરાય તો સારું!

તો બીજા તરફ બાજુની વિવેકાનંદ સોસાયટીના રહીશ ગૌતમભાઈએ જણાવ્યું હતું કે રોડ, સોર્સ કૂવા કે ખારકૂવા તૂટે! જે તૂટવું હોય ઈ તૂટે ગટરની લાઈન નંખાય એટલે બસ! મેં સાંભળ્યું છે કે પાણીની લાઈનનું કામ પૂરું થશે પછી ગટર લાઈન નાંખવાનું કામ શરૂ થશે. અમારી સોસાયટી બની ત્યારથી ભૂગર્ભ ગટર નથી. ગટરની સમસ્યાથી છૂટકારો મળે એટલે બસ!