દહેગામના બહીયલ ગામમાં લીમડી ચોક વિસ્તારમાં આવેલી બહુચર ટ્રેડર્સમાં ચોરીની ઘટના સામે આવી છે. દુકાનના માલિક અશોકકુમાર પ્રજાપતિએ દહેગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
16મી એપ્રિલના રોજ સવારે અશોકકુમાર તેમના બે નાના ભાઈઓ સાથે ઈકો ગાડીમાં દુકાને આવ્યા હતા. તેમના ભાઈઓ નજીકની અન્ય દુકાને ગયા હતા. અશોકકુમારે દુકાન ખોલી અને બે થેલા દુકાનની બહાર ઓટલા પર મૂક્યા હતા.
પહેલા કાપડના થેલામાં દુકાનના વેપાર માટેની રૂ. 1.50 લાખની રોકડ, બેંક પાસબુક, ચેકબુક, ગેસની ચોપડી અને બેંક લોકરની ચાવી હતી. બીજા થેલામાં રૂ. 17 હજારની રોકડ અને દવાઓ હતી.
દુકાનમાં કામ કરતો કર્મચારી દિપક ઠાકોર હાજર ન હોવાથી અશોકકુમારે જાતે દુકાનની સફાઈ કરી. આશરે આઠ વાગ્યે જ્યારે તેઓ થેલા લેવા ગયા ત્યારે બંને થેલા ગાયબ હતા. તેમણે આજુબાજુમાં તપાસ કરી પરંતુ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળી નહીં. દહેગામ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.