Gujarat

કહ્યું- વેરાવળ-સોમનાથમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે, સ્થાનિક પોલીસ આરોપીઓને રોકવામાં નિષ્ફળ

વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા આજે ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (DGP)ને મળવા પહોંચ્યા હતા અને સોમનાથ-વેરાવળ વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂના વેપાર મુદ્દે ગંભીર રજૂઆત કરી. ધારાસભ્યએ જણાવ્યું કે, તેઓએ અગાઉ પણ આ મુદ્દે જિલ્લાની પોલીસને લેખિત ફરિયાદ કરી હતી છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.

અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે

વિમલ ચુડાસમાએ દાવો કર્યો કે, જિલ્લાના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે અને તેમનો મત છે કે, સ્થાનિક પોલીસનું આમાં નરમાશ ભરેલું વલણ છે. તેમણે આશંકા વ્યક્ત કરી કે, આવા ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધાઓ પર કોઈ કાર્યવાહી ન થવી એ સ્થાનિક SPની “મીઠી નજર”ની સંભાવના દર્શાવે છે.

ધારાસભ્ય દારુની લેવડદેવડ થતો વીડિયો DGP પાસે લઈને પહોંચ્યા

આ મુદ્દે ફરી એકવાર દારૂની લેવડદેવડ થતી હોય એવો વિડીયો સાક્ષીરૂપે લઈને તેઓ DGP સુધી પહોંચ્યા છે અને અધિકારીનું ધ્યાન દોરાવ્યું છે. વિમલ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યના પોલીસ વડાએ તેમને ખાતરી આપી છે કે, આગામી સમયમાં આવા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ધારાસભ્યે ભારપૂર્વક જણાવ્યું કે, ગેરકાયદેસર દારૂ વેચાણ સામે નિયમિત અને અસરકારક કાર્યવાહી ન થાય તો સમાજ અને ખાસ કરીને યુવાનો પર તેની ગંભીર અસર પડી શકે છે, તેથી હવે રાજ્યસ્તરે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત છે.