Gujarat

ભાણવડના હાથલા ગામે શનિ જ્યંતીએ ભાવિકોનું ઘોડાપુર, રાત્રિથી લોકો ઉમટ્યા

દ્વારકા જિલ્લાના ભાણવડના હાથલા ગામે આવેલા અત્યંત પ્રાચીન ઐતિહાસિક તથા પુરાતત્વ દ્વારા રક્ષિત એવા શનિદેવ પનોતી દેવી મંદિરે શનિ જ્યંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તથા ભાવિકોના ઘોડાપુર ઉમટ્યા હતા.

મંગળવારે શનિ જ્યંતી હતી પણ સોમવારે પણ ચૌદસ અમાસ ભેગી થતી હોય રાત્રે બાર વાગ્યાથી ભાવિકોનું આગમન શરૂ થયું હતું તો નજીકના વિસ્તારોમાંથી ભાવિકો વિશાળ સંખ્યામાં પગપાળા પણ ઉમટ્યા હતા.

અત્યંત પ્રાચીન શનિદેવની બે પ્રાચીન મૂર્તિઓ તથા સાડાસાતી તથા અઢી વર્ષની પનોતી દેવીના સાનિધ્યમાં પૂજા કરવા પનોતી ઉતારવા લાઈનો લાગી હતી તો મંદિરના ટ્રસ્ટીઓ તથા પૂજારીઓ દ્વારા તથા સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

નજીકના ખેતરોમાં વિશાળ પાર્કિંગ ઉભા કરાયા હતા. પણ ભાવિકોના ઘોડાપૂર થતા જ્યાં જુઓ ત્યાં વાહનો અને લોકો દેખાતા હતા.

મંદિરના પ્રાગણમાં બીલી વૃક્ષ નીચેના મહાદેવની પૂજા કરવા હનુમાનજીના પ્રાચીન મંદિરે નાળિયેર વધેરવા, શનિદેવને તેલ ચડાવવા પૂજા કરવા પણ કતારો લાગી હતી તો બ્રાહ્મણો પાસે વિધિ કરવા તથા પનોતીરૂપે બુટ ચપ્પલો લોકોએ છોડતા ટ્રેકટરો ભરાયા હતા.

અત્યંત પ્રાચીન તથા સમગ્ર ભારતભરમાં શનિદેવનું એકમાત્ર જન્મ સ્થળ તથા સમગ્ર ભારતમાં પનોતી દેવીના મંદિરો અહીં જ હોય ગઈકાલે સમગ્ર ગુજરાતના અનેક સ્થળેથી શ્રધ્ધાળુઓ અહીં આવ્યા હતા તથા ખાસ કરીને જેમને પનોતી ચાલે છે અઢી વર્ષ તથા સાડા સાત વર્ષ વાળા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

ભાણવડ પી.આઈ. કે.બી.રાજવી તથા મામલતદાર ભાણવડ પણ વ્યવસ્થામાં જોડાયા હતા તથા મંદિરના ટ્રસ્ટી તથા પૂજારીઓ વિનોદપુરી, દીનેશપુરી, કેવિનપુરી, ઈશ્વરપુરી, હિતેશપુરી, ગોવિંદપુરી વિ. દ્વારા ખાસ વ્યવસ્થા ભાવિકો માટે દર્શનની કરાઈ હતી.

તથા આફ્રિકાના જાણીતા જ્યોતિષી સંજયભાઈ થાનકી તથા અન્ય સેવકો શનિદેવ ભક્તો સવારથી મોડી રાત્રી સુધી વ્યવસ્થામાં જોડાયા હતા. તથા ભાવિકો માટે બુંદી ગાંઠીયાના પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

સોમવાર રાત્રિથી મંગળવાર રાત્રી સુધીમાં બેથી અઢી લાખ ભાવિકો દર્શન કરવા પૂજા કરવા અહીં ઉમટ્યા હતા.

રાજયમંત્રી મુળુભાઈ બેરા પણ વીડિયો કોલના માધ્યમથી જોડાયા હતા. તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તથા પ્રસાસન વિભાગ દ્વારા રાત્રે રાજભા ગઢવી તથા મયુર દવેનો લોક ડાયરો યોજાયો હતો જે સાડાબાર વાગ્યા સુધી ચાલ્યો હતો.

તેમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેડિકલ ચેકઅપની વ્યવસ્થા પણ મંદિરના સ્થળે કરવામાં આવી હતી.

જેનો લાભ પણ હજારોએ લીધો હતો. મંદિરમાં સવારથી જ વિશાળ નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તથા લાઇટિંગ ડેકોરેશન સાથે સ્વાગત મંડપ ગોઠવાયા હતા.