માહિતી અધિકાર અધિનિયમ લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદેહ બનાવે છે– આયોગ
સાવરકુંડલા ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ (RTI) 2005 કાયદાના અસરકારક અમલીકરણ અને તેના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર તારીખ ૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે એક વિશેષ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
RTI લોકશાહીનો રક્ષકના મુખ્ય ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ માનનીય ગૃહ રાજ્ય મંત્રી, હર્ષ સંઘવીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. મંત્રીશ્રીએ RTI કાયદાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. માહિતી આયોગના અધિકારીઓ અને વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માહિતી અધિકાર અધિનિયમ, ભારતીય લોકશાહીને વધુ મજબૂત, પારદર્શક અને જવાબદેહ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ કાયદો ભારતના બંધારણે નાગરિકોને આપેલા મૂળભૂત અધિકારો પૈકીનો એક છે, જે શાસન અને પ્રશાસનમાં નાગરિકોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક સાધન બનીને ઉભરી આવ્યો છે.
આ કાયદાને માત્ર એક અધિનિયમ નહીં, પરંતુ પ્રજાના સશક્તિકરણ, સુશાસન અને લોકશાહીના જતન માટેનું એક અમૂલ્ય સાધન ગણાવવામાં આવ્યો હતો.
આ મહત્વપૂર્ણ સેમિનારમાં, માહિતી અધિકાર અધિનિયમના અમલીકરણ અને જાગૃતિ માટેની તેમની ઉત્કૃષ્ટ અને સક્રિય કામગીરી બદલ સાવરકુંડલાના જાણીતા RTI કાર્યકર દીપેશ સી. જોશીને ગુજરાત માહિતી આયોગ દ્વારા વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા.
દીપેશભાઈએ RTI કાયદાનો અસરકારક ઉપયોગ કરીને લોકહિતના અનેક કાર્યો કર્યા છે. આ સન્માન તેમની જાગૃતિની પ્રવૃત્તિઓ, પારદર્શિતા માટેના પ્રયાસો અને RTI કાયદાના ઉપયોગ દ્વારા જનસેવાની કામગીરીને બિરદાવે છે. ગુજરાત માહિતી આયોગે દીપેશભાઈનું બહુમાન કરીને અન્ય નાગરિકોને પણ આ કાયદાનો યોગ્ય રીતે ઉપયોગ કરવા પ્રેરણા પૂરી પાડી હતી.
બિપીન પાંધી સાવરકુંડલા