Gujarat

કાર્યપાલક ઇજનેરનો આક્ષેપ – નોટિસ વગર કચેરી સીલ કરવી કાયદાકીય રીતે યોગ્ય નથી

ગીર સોમનાથ જિલ્લામાં ઉના પંચાયત સિંચાઈ પેટા વિભાગ કચેરીને જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) દ્વારા અડધી રાત્રે સીલ કરવાનો મામલો વિવાદમાં મૂકાયો છે.

શુક્રવારે રાત્રે 2 વાગ્યે ડીડીઓએ સ્થાનિક અધિકારીઓ અને પંચાયત સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડને કચેરી ખાતે બોલાવીને કચેરી સીલ કરી હતી.

ડિજિટલ સાથેની વાતચીતમાં કાર્યપાલક ઇજનેર સુનિલ રાઠોડે જણાવ્યું કે, કોડીનાર તાલુકાના રોણાજ ગામે જિલ્લા કલેક્ટર દ્વારા આયોજિત રાત્રિ સભામાં ગેરહાજર રહેવાના કારણે ડીડીઓએ આ પગલું લીધું છે.

રાઠોડે સ્પષ્ટતા કરી કે કોઈપણ પ્રકારની નોટિસ કે લેખિત જાણ કર્યા વગર કચેરી સીલ કરવી કાયદાકીય રીતે યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખે સુનિલ રાઠોડ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. જોકે, રાઠોડે આ આક્ષેપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની વિરુદ્ધ કોઈ ખાતાકીય કે વિજિલન્સ તપાસ ચાલી રહી નથી.

આ ઘટના બાદ જિલ્લામાં વિવિધ ચર્ચાઓ થઈ રહી છે અને આ મુદ્દો જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.