Gujarat

સિહોરની પ્રદુષિત ગૌતમી નદી બની રોગચાળાનું ઘર

સિહોરની મધ્યમાંથી સિહોરના ગૌરવ સમાન ગૌતમી નદી પસાર થઇ રહી છે. પરંતુ હાલ આ નદીનું અસ્તિત્વ જ જોખમમાં આવી ગયું છે.

કોઇપણ શહેરમાંથી નદી પસાર થવી એ કુદરતની અપાર કૃપા ગણાય. સિહોરમાંથી ગૌતમી નદી પસાર થાય છે. આ નદી આજે નદી મટીને માત્ર વોકળું બની ગઇ છે. નદીમાં એટલી ગંદકી છવાઇ ગઇ છે કે ન પૂછો વાત ! આ નદી પાસેથી પસાર થાઓ એટલે ફરજિયાત નાકે ડૂચો દઇને જ પસાર થવું પડે. નદીમાં ગટર ભેળવી દેવામાં આવી છે. નદીમાં અનેક જગ્યાએ જંગલી છોડ ઊગી ગયા છે. નદીમાં અનેક જગ્યાએ પથ્થરો ધસી આવ્યા છે.

આ નદી જોતા એવું લાગે કે આજે આ નદી પોતાનું અસલ અસ્તિત્વ જ ગુમાવી ચૂકી છે. શહેરમાંથી પ્રાચીન ઋષિના નામ પરથી જે નદીને નામ આપવામાં આવ્યું છે. ચોમાસામાં સારો વરસાદ પડે અને જો તળાવ ઓવરફલો થયું તો નદીનું પાણી ટાણા રોડ કે આજુબાજુના રહેણાંકી વિસ્તારોમાં ઘુસી જવાની શક્યતા રહે છે. તંત્ર આ દિશામાં કોઇ આયોજનબદ્ધ કામગીરીનું આયોજન કર્યું તેવું દેખાતું નથી.